Saturday, July 4, 2026
HomeGujaratમોરબીના આંગણે ઓપન ગુજરાત અંડર-14 જુનિયર ગર્લ્સ ફૂટબોલ ટુર્નામેન્ટનો સોમવારથી ભવ્ય પ્રારંભ

મોરબીના આંગણે ઓપન ગુજરાત અંડર-14 જુનિયર ગર્લ્સ ફૂટબોલ ટુર્નામેન્ટનો સોમવારથી ભવ્ય પ્રારંભ

રાજ્યભરમાંથી 12 જિલ્લાની ટીમો વચ્ચે જામશે ટક્કર, મોરબીની જનતાને મેચ નિહાળવા ભાવભર્યું આમંત્રણ

- Advertisement -
- Advertisement -

મોરબી : ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત અને મોરબી ફૂટબોલ એસોસિએશન દ્વારા સંચાલિત “ઓપન ગુજરાત અંડર-14 જુનિયર ગર્લ્સ ફૂટબોલ ટુર્નામેન્ટ”નું આગામી તારીખ 6 થી તારીખ 10 સુધી મોરબીના આંગણે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી ફૂટબોલ એસોસિએશનના પ્રેસિડેન્ટ ડો. દેવેન રબારી તેમજ સેક્રેટરી જીતુભાઈ રબારીની સંયુક્ત યાદીમાં જણાવ્યા અનુસાર, આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટનું આયોજન મોરબીની પ્રખ્યાત ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં ગુજરાતના અલગ-અલગ 12 જિલ્લાઓની શ્રેષ્ઠ ટીમો ભાગ લઈ રહી છે, જેમાં અમદાવાદ, બનાસકાંઠા, બરોડા, ભરૂચ, ભાવનગર, ગાંધીનગર, જામનગર, કચ્છ, મોરબી, પાટણ, રાજકોટ અને સુરતનો સમાવેશ થાય છે.

આ તમામ 12 ટીમો એકબીજા સામે ચાર-ચાર મેચો રમશે અને સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન કુલ 48 રોમાંચક મેચો રમાડવામાં આવશે, જે મોરબીના રમતપ્રેમીઓ માટે એક અદભુત લહાવો બની રહેશે. મોરબી ફૂટબોલ એસોસિએશન દ્વારા ખેલાડીઓ અને ઓફિશિયલ્સ માટે રહેવા, જમવા તેમજ મેદાન પરની તમામ જરૂરી સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.

આ પ્રસંગે મોરબી ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ ડો. દેવેનભાઈ રબારીએ પોતાનો વિશેષ સંદેશ આપતા જણાવ્યું હતું કે, આજની દીકરીઓ કોઈપણ ક્ષેત્રમાં પાછળ નથી અને મોરબીના આંગણે આ પ્રકારની રાજ્ય કક્ષાની ગર્લ્સ ટુર્નામેન્ટ યોજવાનો અમારો મુખ્ય હેતુ દીકરીઓને રમતગમતમાં પૂરતી તકો અને વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. રમતગમત માત્ર શારીરિક ફિટનેસ જ નહીં, પરંતુ નેતૃત્વના ગુણો, આત્મવિશ્વાસ અને શિસ્ત પણ શીખવે છે. અમારું વિઝન છે કે મોરબી અને સમગ્ર ગુજરાતની દીકરીઓ ફૂટબોલ ક્ષેત્રે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકે અને દેશનું નામ રોશન કરે.

મોરબી ફૂટબોલ એસોસિએશન વતી મોરબીના તમામ રમતપ્રેમીઓ, વાલીઓ, યુવાનો અને જાહેર જનતાને આ ટુર્નામેન્ટ નિહાળવા માટે ભાવભર્યું અને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ નાની દીકરીઓ જ્યારે મેદાન પર પોતાનું કૌશલ્ય બતાવશે, ત્યારે તેમનો ઉત્સાહ અને પ્રેરણા વધારવા માટે મોરબીના લોકો મોટી સંખ્યામાં ન્યુ એરા ગ્લોબલ સ્કૂલના મેદાન પર પધારે અને રમતગમતના આ અનોખા મહોત્સવને સાક્ષી બની સફળ બનાવે તેવી નમ્ર અપીલ છે.

હાલમાં મોરબી ફૂટબોલ એસોસિએશના સેક્રેટરી જીતુભાઈ રબારી તેમજ મોરબી ફૂટબોલ એસોસીએશનના કોચ મુસ્તાકભાઈ સુમરા સહિત સમગ્ર ટીમ આ આયોજનને ઐતિહાસિક અને સફળ બનાવવા માટે તનતોડ મહેનત કરી રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!