સ્કૂલ, ટ્યુશન અને બ્યુટી પાર્લરના વોટ્સએપ ગ્રુપને બનાવ્યા નિશાન: રૂ.૧૦ લાખની ખંડણીની ધમકી આપતા અજાણ્યા બે મોબાઇલ નંબર ધારક સામે સાયબર ક્રાઇમમાં ફરિયાદ.
મોરબીમાં સાયબર ઠગોએ સ્કૂલ સંચાલક તરીકે ઓળખ આપી વાલી પાસેથી ઓટીપી મેળવી વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક કરી તેના સગા-સંબંધીઓ પાસેથી રૂ.૩૦ હજાર ઓનલાઈન પડાવ્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ઉપરાંત સ્કૂલ, ટ્યુશન ક્લાસ અને બ્યુટી પાર્લરના ગ્રુપ હેક કરી ઓટીપી તેમજ પૈસાની માંગણી કરી હેરાનગતિ કરવામાં આવતાં સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
મોરબીના ઘુનડા રોડ વિસ્તારમાં ફ્લોરા-૧૧માં રહેતા કારખાનેદાર ભાવેશભાઈ હર્ષદભાઈ પાંચોટીયા ઉવ.૩૪એ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ મથકે બે મોબાઇલ નંબર ૭૩૮૫૫ ૯૯૦૬૯ના ધારક અને ૯૨૭૪૦ ૪૨૩૭૮ના ધારક વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની પુત્રી નાલંદા વિદ્યાલયમાં અભ્યાસ કરતી હોવાથી પત્ની શિલ્પાબેન સ્કૂલના વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલા હતા. આ દરમિયાન ગત તા.૧૯ અને ૨૦ જૂનના રોજ ઉપરોક્ત મોબાઇલ નંબર ૭૩૮૫૫ ૯૯૦૬૯માંથી અજાણ્યા શખ્સે પોતે નાલંદા વિદ્યાલયના સંચાલક કાર્તિક પાંચોટીયા તરીકે પોતાની ઓળખ આપી ફોન કર્યો હતો અને વોટ્સએપ પર આવેલ ઓટીપી માંગ્યો હતો. વિશ્વાસમાં આવી ઓટીપી આપતાં જ શિલ્પાબેનનું વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થઈ ગયું હતું. ત્યારબાદ સાયબર ઠગોએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી સગા-સંબંધીઓને ઇમોશનલી મેસેજો મોકલી તાત્કાલિક રૂપિયાની જરૂર હોવાનું જણાવી રૂ.૧૪ હજાર અને રૂ.૧૬ હજાર મળી કુલ રૂ.૩૦ હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા. એટલું જ નહીં, ફરિયાદીના ભાગીદારને ફોન કરી રૂ.૧૦ લાખની ખંડણી માંગવામાં આવી હતી અને પૈસા નહીં આપે તો ભડાકા કરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.
વધુમાં ફરિયાદમાં જણાવાયું છે કે, ઉપરોક્ત મોબાઇલ નંબરો પરથી મોરબીની વિવિધ સ્કૂલોના વાલીઓના વોટ્સએપ ગ્રુપ, ટ્યુશન ક્લાસના ગ્રુપ તેમજ બ્યુટી પાર્લરના ગ્રાહકોના ગ્રુપમાં સંચાલક કે પ્રિન્સિપાલના નામે ફોન અને મેસેજ કરી ઓટીપી માંગવામાં આવે છે તેમજ સ્કૂલ ફીના નામે ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરાવવા ડરાવી-ધમકાવી રૂપિયા પડાવવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. હાલ મોરબી સાયબર ક્રાઇમ પોલીસે ઉપરોક્ત બે મોબાઇલ નંબર ધારકો સામે ભારતીય ન્યાય સંહિતા તથા આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.






