મોરબી, ટંકારા અને વાંકાનેરના કાર્યકર્તાઓને સાત સત્રોમાં વૈચારિક, સંગઠનાત્મક અને ડિજિટલ પ્રશિક્ષણ અપાયું.
મોરબી જીલ્લા ભાજપ દ્વારા એલિટ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે તા. ૪ અને ૫ જુલાઈ દરમિયાન બે દિવસીય ‘પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગ મહાઅભિયાન-૨૦૨૬’નું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં વિવિધ વિષયો પર સાત સત્રો યોજાયા હતા, જેમાં કાર્યકર્તાઓને સંગઠન, બૂથ મેનેજમેન્ટ, સોશિયલ મીડિયા, એઆઈ અને સરકારની યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
મોરબી જીલ્લા ભાજપના અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટિયાએ દીપ પ્રાગટ્ય કરીને પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ કરાવ્યો હતો. બે દિવસ દરમિયાન ભાજપના ઇતિહાસ, વૈચારિક અધિષ્ઠાન, કાર્યપદ્ધતિ, કાર્યવિસ્તાર, બૂથ પ્રબંધન, સોશિયલ મીડિયા અને એઆઈ સહિતના વિષયો પર નિષ્ણાત વક્તાઓએ માર્ગદર્શન આપ્યું હતું. આ દરમિયાન જીલ્લા ભાજપના નવનિયુક્ત મહામંત્રી અરવિંદભાઈ વાંસદડીયાનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
શિબિરમાં રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા સહિત જીલ્લા અને તાલુકા ભાજપના આગેવાનો તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રગીત સાથે શિબિરનું સમાપન કરવામાં આવ્યું હતું.






