મોરબી-૨: માળીયા-વનાળીયા સોસાયટીમાં ભાભી સાથે બોલાચાલી કરતા બે ઇસમોને દિયર દ્વારા બોલાચાલી ન કરવાનું કહેતા, આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ યુવક ઉપર છરી અને ધોકાથી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ બી ડિવિઝન પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
મળતી વિગતો મુજબ, ગત તા. માળીયા-વનાળીયા સોસાયટીમાં રહેતા કમલેશ ઉર્ફે નિલેશભાઈ હરીભાઈ બાંભણવા ઉવ.૨૮ ગત તા.૦૬ જુલાઈના રોજ પોતાના ભાઈના ઘર પાસે પહોંચ્યા ત્યારે આરોપી પંકજભાઈ પાલાભાઈ બારોટ અને દિનેશભાઇ પાલાભાઈ બારોટ ફરિયાદીના ભાભી સાથે બોલાચાલી કરતા હતા જેથી ફરિયાદીએ બોલાચાલી ન કરવા કહેતા બન્ને આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને આરોપી દિનેશભાઈએ ફરિયાદીને પાછળથી પકડી રાખ્યા બાદ આરોપી પંકજભાઈએ છરી વડે ડાબા ખભા અને હાથમાં ઇજા પહોંચાડી તેમજ લાકડાના ધોકાથી જમણા પગમાં માર માર્યો હતો. હુમલા બાદ જાનથી મારી નાખવાની ધમકી આપી બન્ને આરોપીક ચાલ્યા ગયા હતા. જે બાદ ઇજાગ્રસ્તને ૧૦૮ મારફતે મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. હાલ સમગ્ર મામલે બી ડિવિઝન પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તેમજ જીપી એક્ટ હેઠળ બંને આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






