જામનગર બી-ડિવિઝન પોલીસમાં નોંધાયેલા બાઈક ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો.
મોરબી એલસીબીની ટીમે વાંકાનેર રોડ પરથી શંકાસ્પદ હાલતમાં બાઈક ઉપર ફરતા એક શખ્સને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી મળેલ બાઈક પાંચ મહિના પહેલા જામનગરમાંથી ચોરાઈ હોવાનું બહાર આવતા પોલીસે બાઈક કબજે કરી આરોપીને હસ્તગત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી એલસીબી અને પેરોલ સ્ક્વોડની ટીમ પેટ્રોલિંગ દરમિયાન મોરબી-વાંકાનેર રોડ પર આવેલી ઓક્ટ્રી હોટલ નજીક હોય ત્યારે એક શખ્સ શંકાસ્પદ હાલતમાં મોટરસાયકલ ચલાવી આવતો જોવા મળ્યો હતો. પોલીસે તેને રોકી બાઈકના દસ્તાવેજોની માંગણી કરતાં તે કોઈ કાગળો તેની પાસે ન હોવાનું અને વધુ પૂછપરછમાં તેણે મોટરસાયકલ પોતાના ભત્રીજા વિજય ઉર્ફે ભદાભાઈ સલાટ રહે. જાંબુડીયા તા.મોરબી વાળા પાસેથી લીધુ હોવાનું જણાવ્યું હતું. જોકે, પોલીસે પોકેટકોપ એપમાં તપાસ કરતાં બાઈક નંબર જીજે-૧૦-બીડી-૮૬૦૫ વાળું જામનગર સિટી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનાનું હોવાનું સામે આવ્યું હતું.
પાંચ મહિના પહેલા નોંધાયેલા આ બાઈક ચોરીના અનડીટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી મોરબી ક્રાઇમ બ્રાંચે નવા જાંબુડીયા ગામે શક્તિપરામાં રહેતા માલાભાઈ કાળુભાઈ બરવાડીયા ઉવ.૩૦ વાળાને ઝડપી હસ્તગત કરી વધુ કાર્યવાહી માટે મોરબી તાલુકા પોલીસને સોંપી જામનગર પોલીસને જાણ કરવામાં આવી છે.






