હળવદ-અમદાવાદ હાઇવે પર આવેલા સ્મશાનમાંથી મૃતદેહના અગ્નિસંસ્કાર માટે વપરાતી રૂ.૫૦ હજારની લોખંડની ખાટલીની ચોરી થતા ચકચાર મચી હતી. જોકે હળવદ પોલીસે ગણતરીની કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી ચોરાયેલી ખાટલીના ટુકડાઓ સાથે બે આરોપીઓને ઝડપી લીધા છે, જ્યારે એક આરોપીની શોધખોળ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, હળવદના બસ સ્ટેશન પાછળ રહેતા કિરણભાઈ જીવણભાઈ બારાણીયાએ ફરિયાદ નોંધાવી હતી કે હળવદ-અમદાવાદ હાઇવે પર જીયો પેટ્રોલ પંપ નજીક આવેલા સમાજના સ્મશાનમાંથી મૃતદેહના અગ્નિસંસ્કાર માટે રાખવામાં આવેલી લોખંડની ખાટલી કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી ગયા છે. આ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. જેથી હળવદ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી. વ્યાસના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આરોપી હિમત કાનજીભાઈ પરમાર રહે. બસ સ્ટેન્ડ પાછળ હળવદ અને કાંતી ઉર્ફે કાનો રહે. પ્રતાપગઢ તા.હળવદ નામના શખ્સોએ મળીને ખાટલીની ચોરી કરી હોવાની અને ચોરીનો મુદ્દામાલ મોરબી ચોકડી પાસે આવેલા ભંગારના ડેલામાં વેચી દીધો હોવાની માહિતી મળી હતી.
ત્યારે હળવદ પોલીસે તપાસના આધારે ભંગારના ડેલાના માલિક આરોપી પુનમભાઈ દેવજીભાઈ મકવાણા રહે. ભવાનીનગર ઢોરે હળવદ વાળા પાસેથી સ્મશાનમાંથી ચોરાયેલી લોખંડની ખાટલીના ભાંગેલા ટુકડાઓ અને જારીના કટકાઓ કબજે કર્યા હતા. આ મામલે પોલીસે આરોપી હિમત કાનજીભાઈ પરમાર અને આરોપી પુનમભાઈ દેવજીભાઈ મકવાણાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જ્યારે આરોપી કાંતી ઉર્ફે કાનો હજુ પોલીસ પકડથી દૂર હોય જેથી તેની અટક કરવા પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.






