મોરબી જિલ્લામાં ખેડૂતોની પડતર માંગણીઓ અને સરકારના તાજેતરના પરિપત્રને લઈને વાતાવરણ ગરમાયું છે. મોટી સંખ્યામાં એકઠા થયેલા ખેડૂતોએ સરકારની નીતિઓ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખેડૂત સંગઠનો અને સ્થાનિક આગેવાનોની આગેવાની હેઠળ એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી અને ત્યાં કલેક્ટરને ૨૫ મુખ્ય મુદ્દાઓ સાથેનું સવિસ્તાર આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું.
૩૬૫ ગામોનો લેખિત વિરોધ અને ‘લોલીપોપ’ પરિપત્રનો આક્ષેપ
ખેડૂત આગેવાનોના જણાવ્યા અનુસાર, સરકાર દ્વારા ગત ૪ જુલાઈ ૨૦૨૬ના રોજ બહાર પાડવામાં આવેલો નવો પરિપત્ર માત્ર એક ‘લોલીપોપ’ સમાન છે. આ પરિપત્ર ખેડૂતોના કલ્યાણ માટે નહીં, પરંતુ ખાનગી કંપનીઓના હિત અને ફાયદાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ ખેડૂતોએ કર્યો છે. આ બાબતે અંદાજે ૩૬૫ જેટલા ગામોના ખેડૂતોએ પોતાની પંચાયતોના લેટરપેડ પર આ પરિપત્ર અમાન્ય હોવાનું લેખિતમાં જણાવીને વિરોધ નોંધાવ્યો છે.
ટેલિગ્રાફ એક્ટની જોગવાઈઓ સામે વાંધો અને ૨૦૧૩ના કાયદા મુજબ વળતરની માંગ
આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, ઈલેક્ટ્રિસિટી એક્ટ ૨૦૦૩ અને ટેલિગ્રાફ એક્ટ ૧૮૮૫ની જોગવાઈઓ અન્વયે પસાર થતી ટ્રાન્સમિશન લાઈનોના વળતર માટે આ ઠરાવ જાહેર કરાયો છે. પરંતુ ટેલિગ્રાફ એક્ટની કલમ ૧૦(D) મુજબ “ઓછામાં ઓછું નુકશાન અને પૂરેપૂરું નુકશાનીનું વળતર” મળવું જોઈએ, જે આ ઠરાવમાં યોગ્ય રીતે સુનિશ્ચિત કરવામાં આવ્યું નથી. ખેડૂતોએ મુખ્યત્વે ખેતરોમાં વીજ ટાવર ઊભા કરવા અને કોરિડોર બનાવવા સામે વિરોધ નોંધાવ્યો છે અને જમીનના વળતર અંગે ૨૦૧૩ના કાયદા મુજબ બજાર કિંમતના ચાર ગણા (૪૦૦%) વળતર આપવાની માંગ કરી છે.
ખેડૂતો દ્વારા માંગવામાં આવેલા મુખ્ય સુધારાઓ: ટ્રાન્સમિશન લાઈનનો હેતુ વાણિજ્યિક હોવાથી, ટાવર બેઝ અને કોરીડોરની જમીનની બજાર કિંમતનું ૧૦૦% સોલેશ્યમ સાથે કુલ બજાર કિંમતને ૪ નો ગુણાંક આપી વળતર ચૂકવવામાં આવે. તેમાં ટાવરના પાયા ઉપરાંત ચારે બાજુ ૧ મીટરનું વધારાનું વિસ્તરણ ધ્યાને લેવાય.
વળતર બદલે જો ખેડૂત ઈચ્છે તો ટાવર બેઝ અને કોરીડોરનું માસિક ભાડું ચૂકવવાનો વિકલ્પ પણ આપવો જોઈએ.
એડવાન્સ અને ડીજીટલ પેમેન્ટ: ટાવર ઉભો કરવાની (ઈરીકેશન) કે તાર નાખવાની (સ્ટ્રીંગીંગ) કોઈપણ કામગીરી શરૂ કરતા પહેલા ખેડૂતને ૧૦૦% વળતરનું એડવાન્સ ચુકવણું RTGS કે NEFT મારફતે સીધું બેંક ખાતામાં ફરજીયાત કરવું.
નુકશાનીનો વીમો અને જવાબદારી: ભવિષ્યમાં લાઈન કે ટાવરથી પાક, ઝાડ કે અન્ય મિલકતને નુકશાન થાય અથવા કોઈ અકસ્માત સર્જાય તો તેની સંપૂર્ણ જવાબદારી ટ્રાન્સમિશન કંપનીની રહેશે. કંપનીએ ખેડૂતનો ફરજીયાત અકસ્માત વીમો અને મેડીકલેમ ઉતરાવવાનો રહેશે.
વારંવાર નુકશાની પર વળતર: ટ્રાન્સમિશન કંપની જેટલી વાર પાક કે ઝાડને નુકશાન કરે, તેટલી વાર દરેક વખતે નુકશાનીનું પૂરું વળતર ચૂકવવું પડશે.
મર્યાદિત સમય અને ટેક્સ ફ્રી વળતર: શક્ય હોય ત્યાં સુધી લાઈન અંડરગ્રાઉન્ડ કેબલ અથવા મોનોપોલ ટાવર ડીઝાઈનથી લઈ જવી અને કંપનીને માત્ર ૨૫ વર્ષ માટે જ પરવાનગી આપવી. તેમજ ખેડૂતોને ચુકવવામાં આવતા વળતરને ટેક્સ ફ્રી રાખવું.
ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આ પરિપત્ર તાત્કાલિક અસરથી પાછો ખેંચીને સુધારો કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવાશે.
બીજી તરફ: તંત્રનો દાવો, સરકારનો પરિપત્ર સંવેદનશીલ અને ખેડૂત હિતમાં
મોરબી કલેક્ટર સમક્ષ જેતપુર અને આસપાસના વિસ્તારના ખેડૂતો દ્વારા કરવામાં આવેલી રજૂઆતો અંગે વહીવટી તંત્રે જણાવ્યું છે કે સરકારે આ બાબતે અત્યંત સંવેદનશીલ નિર્ણય લીધો છે અને વિગતવાર પરિપત્રમાં ખેડૂતોની મોટાભાગની માંગણીઓનો સમાવેશ કરી લેવાયો છે.
અધિકારીના જણાવ્યા મુજબ, ખેડૂતોની માંગણી સ્વીકારીને એક માર્કેટ રેટ કમિટીની રચના કરવામાં આવી છે, જેમાં ખેડૂતોના પ્રતિનિધિને પણ વિશેષ સ્થાન અપાયું છે. આ ઉપરાંત વળતરના ભાવોમાં પણ મોટો વધારો કરવામાં આવ્યો છે, જેમાં ૨૦૦% અને ગ્રામ્ય વિસ્તાર માટે ૩૦% ની જોગવાઈ કરાઈ છે.
આ ત્રણેય સભ્યો સાથે મળીને માત્ર DLVC ના ભાવો જ નહીં, પરંતુ વાસ્તવિક (એક્ચ્યુઅલ) બજાર ભાવોની ચકાસણી કરશે અને તેનો અહેવાલ સરકાર સમક્ષ રજૂ કરશે, જેના આધારે આખરી વળતર નક્કી થશે.
અધિકારીએ વધુમાં ઉમેર્યું હતું કે, મોટાભાગની વીજ લાઈનોમાં વળતરની ચૂકવણી થઈ ચૂકી છે અને બાકી રહેલા કામોમાં પણ વહેલી તકે ચૂકવણી કરવામાં આવશે. વહીવટી તંત્રે તમામ ખેડૂતોને અપીલ કરી છે કે તેઓ આ માર્કેટ રેટ કમિટીનો ભાગ બને અને પોતાના પ્રતિનિધિની વહેલી તકે નિમણૂક કરે જેથી વળતરની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થઈ શકે. કલેક્ટર તંત્રે ખેડૂતોની અન્ય પડતર માંગણીઓને પણ સરકાર સુધી પહોંચાડવાની હૈયાધારણ આપી છે.






