મોરબીમાં અષાઢીબીજ નિમિત્તે યોજાનારી મચ્છુ માતાજીની પરંપરાગત રથયાત્રાને શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં સંપન્ન કરાવવા જિલ્લા પોલીસ એક્શનમાં આવી છે. રથયાત્રા પૂર્વે મોરબી શહેરમાં કુખ્યાત હિસ્ટ્રીશીટરો અને ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા શખ્સો સામે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
શહેરના કાલિકા પ્લોટ વિસ્તારમાં સીટી એ ડિવિઝન, બી ડિવિઝન, તાલુકા પોલીસ, માળીયા પોલીસ, એસઓજી અને એલસીબી સહિતની વિવિધ પોલીસ ટીમોએ સંયુક્ત રીતે મેગા કોમ્બિંગ હાથ ધરી હિસ્ટ્રીશીટરોના રહેણાંક સ્થળો અને ઠેકાણાઓ પર ચેકિંગ કર્યું હતું.
પોલીસ દ્વારા ગુજસીટોક સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા શખ્સોના ઘરોમાં સઘન તપાસ કરવામાં આવી હતી. જોકે સમગ્ર સર્ચ ઓપરેશન દરમિયાન કોઈપણ પ્રકારની વાંધાજનક કે શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી.
રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ અસામાજિક તત્વો પર કડક નજર રાખી શકાય તે હેતુથી મોરબી જિલ્લા પોલીસ દ્વારા આ પ્રકારની કોમ્બિંગ કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.






