મોરબી જિલ્લાના જેતપર ખેડૂત આંદોલન દરમિયાન ચર્ચામાં આવેલા નિલેશ એરવાડિયાની મુશ્કેલીઓમાં વધારો થયો છે. એક મહિના અગાઉ જેતપર ગામની સીમમાં હિટાચી મશીનમાં તોડફોડ કરી પેટ્રોલ છાંટી આગ ચાંપવાના ગુનાની તપાસમાં પોલીસે નિલેશ એરવાડિયાને નિવેદન માટે નોટિસ પાઠવી હતી. જોકે ઉપવાસ ને કારણે તેઓની તબિયત નાદુરસ્ત હોવાના કારણે પોલીસની નોટિસ મુજબ આજે તારીખ ૧૪ ના રોજ ૧૧ વાગ્યે તેઓ હાજર રહ્યા ન હોવાનું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ગત તા. 16/06ના રોજ જેતપર ગામની સીમમાં અજાણ્યા પાંચ શખ્સોએ હિટાચી મશીનમાં તોડફોડ કરી તેને પેટ્રોલ છાંટી સળગાવી દીધું હતું જે અંગેની ફરિયાદ ૧૭ જૂનના નોંધાઈ હતી. આ મામલે પોલીસે અજાણ્યા પાંચ ઇસમો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
તપાસ દરમિયાન નિલેશ એરવાડિયાનો ખેડૂત આંદોલન દરમિયાનનો એક વીડિયો પણ પોલીસના ધ્યાન પર આવ્યો હતો. વીડિયોમાં તેઓએ કથિત રીતે જણાવ્યું હતું કે, “આંદોલન દરમિયાન જો કોઈ હિટાચી મશીન કે થાંભલા આવશે તો તેને ઉખાડી ફેંકવામાં આવશે અને 36 રૂપિયા કિલોના ભાવે ભંગારમાં વેચી દેવામાં આવશે.” આ નિવેદનને ધ્યાનમાં રાખી પોલીસે ઉપરોક્ત ગુનાની તપાસના ભાગરૂપે તેમનું નિવેદન લેવાની જરૂરિયાત ઉભી થતાં નોટિસ પાઠવી હતી.
ફરિયાદી દ્વારા પોલીસને એવું પણ જણાવાયું હોવાનું સામે આવ્યું છે કે જે હિટાચી મશીન સળગાવવામાં આવ્યું હતું તે વીજ થાંભલાના કામ માટે નહીં, પરંતુ તેમના સંબંધીના તળાવના કામ માટે ત્યાં લઈ જવામાં આવ્યું હતું.પોલીસે નિવેદન માટે નોટિસ આપ્યા છતાં નિલેશ એરવાડિયા આજે હાજર રહ્યા ન હોવાનું જાણવા મળ્યું છે.હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.






