વાંકાનેરના ગાયત્રી રોડ પર પાંચ માળીયા બિલ્ડિંગમાં ચાલતા ગેરકાયદે દારૂના કારોબાર પર પોલીસનો દરોડો, એક ઝડપાયો, રાજકોટનો એક શખ્સ ફરાર.
વાંકાનેર સીટી પોલીસે ગાયત્રી રોડ પર આવેલા પાંચ માળીયા બિલ્ડિંગમાં દરોડો પાડી દેશી દારૂમાં ફ્લેવર્ડ એસન્સ ભેળવી વિદેશી દારૂ તરીકે વેચાણ કરવાના ગેરકાયદે ધંધાનો પર્દાફાશ કર્યો છે. આ સાથે પોલીસે દેશી દારૂ, વિદેશી દારૂની ખાલી બોટલ સહિત રૂ.૮૦,૨૦૦/-નો મુદ્દામાલ કબજે કરી એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે પકડાયેલ આરોપીની પ્રથમીમ પૂછતાછમાં રાજકોટની બજરંગવાડી વિસ્તારમાં રહેતા એક શખ્સનું નામ ખુલવા પામ્યું છે.
વાંકાનેર સીટી પોલીસને ખાનગી બાતમી મળી હતી કે ગાયત્રી રોડ પર વૃંદાવન સોસાયટી નજીક આવેલા પાંચ માળીયા બિલ્ડિંગમાં ઓફિસ અને ફ્લેટમાંથી દેશી દારૂમાં ફ્લેવર્ડ એસન્સ ભેળવી તેને વિદેશી દારૂ જેવો દેખાવ આપી વેચાણ કરવામાં આવી રહ્યું છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા સ્થળ પરથી આરોપી જીગ્નેશભાઈ હર્ષદભાઈ કારીયા ઉવ.૩૮ રહે. વૃંદાવન સોસાયટી ગાયત્રી રોડ વાંકાનેર વાળાને ઝડપી પાડ્યો હતો.
તપાસ દરમિયાન ઓફિસમાંથી ૩૦૦ એમએલની કુલ ૨૫૦ પ્લાસ્ટિક બોટલોમાં ભરેલો ૭૫ લીટર ફ્લેવર્ડ દેશી દારૂ મળી આવ્યો હતો. પકડાયેલ આરોપીની પૂછતાછ અને ફ્લેટની કરવામાં આવે તલાશી દરમિયાન વિવિધ ફ્લેવરના એસન્સની પાંચ બોટલો, ફ્લેવર મિક્સ કરવા માટે વપરાતું પ્લાસ્ટિકનું મોટું ટબ, ઢાંકણાવાળી ડોલ તેમજ ૭૧ કાર્ટૂનમાં ભરેલી કુલ ૬,૩૯૦ ખાલી પ્લાસ્ટિક બોટલો અને તેના ઢાંકણાં મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂ.૮૦,૨૦૦/- નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં ઝડપાયેલા આરોપીએ આ દારૂ અને સામગ્રી રાજકોટના બજરંગવાડી વિસ્તારમાં રહેતા સલીમભાઈ પાસેથી મેળવતો હોવાનું જણાવ્યું હતું. હાલ વાંકાનેર સીટી પોલીસે આ શખ્સને વોન્ટેડ જાહેર કરી શોધખોળ શરૂ કરી છે. આ સાથે બન્ને આરોપીઓ સામે પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






