ટંકારા તાલુકામાં આ વર્ષે નહિવત વરસાદને કારણે પશુપાલકો અને માલધારીઓ માટે પશુના ચારાની ગંભીર સમસ્યા ઊભી થઈ છે. પૂરતા વરસાદના અભાવે ઘાસચારાની ભારે અછત સર્જાતાં મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ ઘેલાભાઈ મેપાભાઇ ફાંગલીયા દ્વારા ટંકારા-પડધરી મતવિસ્તારના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાને લેખિત રજૂઆત કરી તાત્કાલિક રાહત પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.
સૂકા ઘાસનો ભાવ ₹૫૦૦ પહોંચ્યો, પશુપાલકો લાચાર
રજૂઆતમાં જણાવ્યા અનુસાર, ટંકારા તાલુકામાં માલધારી સમુદાયની વસ્તી ખૂબ જ મોટા પ્રમાણમાં છે. હાલમાં સૂકી નીરણનો ભાવ પ્રતિ મણ (૨૦ કિલો) દીઠ ₹૪૫૦ થી ₹૫૦૦ સુધી પહોંચી ગયો છે, જેના કારણે ગરીબ અને સામાન્ય માલધારીઓ માટે આટલા ઊંચા ભાવે ચારો ખરીદવો અશક્ય બની ગયો છે.
બેવડો માર: ગત વર્ષે માવઠું અને આ વર્ષે વાવણી લાયક વરસાદ નહીં
વધુ વિગતો આપતાં ઘેલાભાઈ ફાંગલીયાએ જણાવ્યું હતું કે, ગત વર્ષે અસમયે આવેલા માવઠાના કારણે ખેડૂતો અને માલધારીઓનો સૂકો ચારો બગડી ગયો હતો. જ્યારે આ વર્ષે અષાઢી બીજ વીતી જવા છતાં હજુ સુધી વાવણી લાયક કે પર્યાપ્ત વરસાદ થયો નથી. વરસાદના અભાવે સીમમાં પશુઓ માટે ચરિયાણ પણ ઉપલબ્ધ નથી અને લીલા ઘાસચારાનું વાવેતર પણ થઈ શક્યું નથી.
સરકારમાં રજૂઆત કરી સસ્તા ઘાસના ડેપો ખોલવા માંગ
આકસ્મિક આવી પડેલી આ કુદરતી આફતમાં માલધારીઓ અને પશુધનની સ્થિતિ અતિ દયનીય બની છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખીને, પશુપાલકોના હિતમાં તાત્કાલિક ધોરણે ટંકારા તાલુકામાં સરકારી સસ્તા ઘાસચારાના ડેપો શરૂ કરવામાં આવે તેવી ધારાસભ્યશ્રી મારફતે સરકારમાં તાકીદની રજૂઆત કરવા વિનંતી કરવામાં આવી છે.






