Thursday, July 16, 2026
HomeGujaratમોરબીના ખેડૂતની અનોખી પહેલ: ‘સારું ખાવું અને સારું ખવડાવવું’ ના સંકલ્પ સાથે...

મોરબીના ખેડૂતની અનોખી પહેલ: ‘સારું ખાવું અને સારું ખવડાવવું’ ના સંકલ્પ સાથે કરી ગૌ આધારિત સમૂહ પ્રાકૃતિક ખેતી

મુખ્યમંત્રી અને રાજ્યપાલની રસાયણમુક્ત આહારની મુહિમને સૌના સાથ અને સહકારનાં મંત્ર સાથે સમૂહ ખેતીથી આગળ ધપાવતા મોરબીના ખેડૂતો

- Advertisement -
- Advertisement -

પ્રાકૃતિક કૃષિના જન-અભિયાનને વેગ આપવા મોરબીના પ્રગતિશીલ ખેડૂતના ભગીરથ પ્રયાસ થકી સૌને મળે છે શુદ્ધ દૂધ અને રસાયણમુક્ત આહાર.

મોરબી: ધરતી માતાને રાસાયણિક ખાતરોના ઉપયોગમાંથી મુક્ત કરવા અને માનવજાતને નીરોગી સ્વાસ્થ્યની અનમોલ ભેટ આપવા માટે આજે સમગ્ર ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનો જન-અભિયાન તરીકે વ્યાપ વધી રહ્યો છે. ‘સૌના સાથ અને સૌના સહકારથી સારું ખાવું અને સારું ખવડાવવું’ ના સંકલ્પ સાથે મોરબીમાં રહેતા અને મૂળ ટંકારા તાલુકાના જબલપુર ગામના વતની મણિભાઈ ગડારાએ પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે સામૂહિક ખેતીનો એક નવો ચીલો ચાતર્યો છે. છેલ્લા ૩ વર્ષથી તેઓ રસાયણ આધારિત ખેતી મૂકીને સંપૂર્ણ પ્રાકૃતિક પદ્ધતિથી સમૂહ ખેતીના સુંદર વિચારને સાકાર કરી રહ્યા છે.

પોતાના પ્રતિભાવમાં મણિભાઈ ગડારા જણાવે છે કે, “રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને જે રીતે પ્રાકૃતિક કૃષિને પ્રાધાન્ય આપી રહ્યા છે, તેનાથી પ્રેરિત થઈને અમે આ અભિયાનને દરેક ખેડૂત સુધી પહોંચાડવા મથી રહ્યા છીએ. અમે પ્રાકૃતિક સામૂહિક ખેતીનું એક એવું વિશેષ મોડલ ઊભું કર્યું છે, જેમાં અનેક ખેડૂતો ઉત્સાહભેર જોડાયા છે. અમે કોઈપણ રાસાયણિક દવા કે ખાતરના ઉપયોગ વિના શાકભાજી અને મગફળી જેવા રોકડીયા પાકનું શુદ્ધ ઉત્પાદન મેળવીએ છીએ. આ મગફળીમાંથી શુદ્ધ તેલ કાઢીને સૌપ્રથમ સમૂહ ખેતીના તમામ સભ્યોને પૂરું પાડીએ છીએ અને વધેલો જથ્થો અન્ય લોકોના સારા સ્વાસ્થ્ય માટે વેચાણ કરીએ છીએ. અમે સારું ખાઈએ છીએ અને અન્યને પણ સારું ખવડાવીએ છીએ તેનો આનંદ ખરેખર અનન્ય છે”

મણિભાઈ વધુમાં ઉમેરે છે કે, પ્રાકૃતિક કૃષિના પાયા સમાન ગૌમાતાના જતન માટે તેઓ એક ગૌશાળા પણ ચલાવે છે. આ ગૌશાળાના દૂધનું વિતરણ સૌપ્રથમ સમૂહ ખેતીમાં જોડાયેલા સભ્યોના ઘરે-ઘરે અને ત્યારબાદ અન્ય નાગરિકોને કરવામાં આવે છે. ગૌશાળાનો મુખ્ય ઉદ્દેશ્ય દૂધ મેળવવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ ગાયોના ગોબર અને ગૌમૂત્રમાંથી જીવામૃત, બીજામૃત જેવા પ્રાકૃતિક ખેતીના અમૂલ્ય અને અત્યંત જરૂરી ઘટકો તૈયાર કરી ખેતરમાં જ તેનો કુદરતી ખાતર તરીકે ઉપયોગ કરવાનો છે. ખાસ કરીને શાકભાજીની ખેતીમાં સામૂહિક ધોરણે કરાયેલો આ નવતર પ્રયોગ ખૂબ સફળ રહ્યો છે, જેના લીધે અનેક પરિવારોને રોજેરોજ તાજા અને કેમિકલમુક્ત શાકભાજી ઘરઆંગણે સરળતાથી મળી રહે છે.

મોરબી પંથકમાં મણિભાઈ ગડારા અને તેમના સહયોગીઓ દ્વારા સ્થાપિત કરાયેલું આ સામુહિક મોડલ આજે આસપાસના અનેક ખેડૂતો માટે પ્રેયરણાદાયી બન્યું છે. ધરતી અને માનવ સ્વાસ્થ્યની સેવામાં જીવન સમર્પિત કરનાર મણિભાઈના આ પ્રયાસો પ્રેરણાદાયી છે. રાજ્યપાલની રસાયણ મુક્ત આહારની મુહિમને સાર્થક કરતા આ સમૂહે સાબિત કર્યું છે કે સહિયારા પુરુષાર્થથી રસાયણ મુક્ત અન્નનું સર્જન કરી શકાય છે. સૌ સાથે મળીને શુદ્ધ ખાઈએ અને સમાજનું આરોગ્ય ઉત્કૃષ્ટ રાખીએ તેવા સંતોષ સાથે ધબકતી આ પહેલ મોરબી જીલ્લા સહિત સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો માટે પ્રેરણાદાયી બની રહેશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!