ચાઇલ્ડ હેલ્પલાઇનની ફરિયાદ બાદ જીલ્લા ચાઇલ્ડ લેબર ટાસ્ક ફોર્સનો દરોડો: બાળ શ્રમિકને મુક્ત કરાવી આગળની કાર્યવાહી હાથ ધરાઈ.
મોરબીના માધાપર-અંબિકા રોડ સ્થિત મોરબી નાઇફ વર્કસમાં ૧૨ વર્ષના બાળ શ્રમિક પાસે કામ લેવાતું હોવાનું દરોડા દરમિયાન સામે આવતાં સંસ્થાના ભાગીદાર સામે બાળ અને તરુણ કામદાર પ્રતિબંધ અને નિયમન અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ચાઇલ્ડ હેલ્પલાઇન(૧૦૯૮)ને મળેલી લેખિત ફરિયાદના આધારે જીલ્લા ચાઇલ્ડ લેબર ટાસ્ક ફોર્સે ગઈકાલ ૧૭ જુલાઈના રોજ શેરી નં-૩ માધાપર-અંબિકા રોડ ઉપર આવેલી મોરબી નાઇફ વર્કસમાં દરોડો પાડ્યો હતો. જેમાં તપાસ દરમિયાન ત્યાં આશરે ૧૨ વર્ષનો બાળ મજૂર હેલ્પર તરીકે કામ કરતો મળી આવ્યો હતો. આધાર કાર્ડની ચકાસણી બાદ બાળકને બાળ સુરક્ષા અધિકારીઓની હાજરીમાં મુક્ત કરાવી આગળની કાર્યવાહી માટે સુપ્રત કરવામાં આવ્યો હતો.
આ મામલે મોરબી નાઇફ વર્કસના ભાગીદાર રઘુવીરસિંહ નવીનચંદ્ર ઉવ.૪૪ રહે.શેરી નં-૩ માધાપર-અંબિકા રોડ મોરબી વાળા સામે બાળ અને તરુણ કામદાર (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.






