Saturday, July 18, 2026
HomeGujaratહળવદમાં જમીનની વારસાઈમાં બનાવટી દસ્તાવેજોનો ખેલ, માતાએ જ પુત્ર સામે ઠગાઈની ફરિયાદ...

હળવદમાં જમીનની વારસાઈમાં બનાવટી દસ્તાવેજોનો ખેલ, માતાએ જ પુત્ર સામે ઠગાઈની ફરિયાદ નોંધાવી

માતાએ પોતાની મહેનતથી ખરીદ કરેલ જમીનમાં આરોપી પુત્રએ બહેન હોવા છતા ખોટા સોગંદનામા અને પેઢીઆંબાના આધારે બે ભાઈઓના જ નામ ચડાવ્યા.

- Advertisement -
- Advertisement -

હળવદ તાલુકાના મયુરનગર ગામની આશરે ૧૦ વિઘા જમીનની વારસાઈમાં ખોટા સોગંદનામા, બનાવટી પેઢીઆંબા અને ખોટી સહીનો ઉપયોગ કરીને ઠગાઈ કરાયાનો આક્ષેપ સાથે માતાએ પોતાના જ પુત્ર સામે હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મળતી વિગતો મુજબ, રાજકોટના મવડી પ્લોટ વિસ્તારમાં શ્રીનાથજી સોસાયટીમાં રહેતા અને મૂળ મયુરનગર ગામના ગીતાબેન દિલીપભાઈ ઉર્ફે દિલુભાઈ ડાંગર ઉવ.૫૪ એ હળવદ પોલીસ મથકમાં આરોપી તરીકે તેમના પુત્ર ધવલભાઈ દિલીપભાઈ ઉર્ફે દિલુભાઈ ડાંગર વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેમણે વર્ષ ૨૦૧૯માં પોતાની કમાણીમાંથી મયુરનગર ગામની સર્વે નં. ૯૨૩/પૈકી-૨ની આશરે ૧૦ વિઘા જમીન પોતાના એકલાના નામે ખરીદી હતી. જમીનના તમામ માલિકી હક્ક તેમના એકલાના નામે નોંધાયેલા હતા. ફરિયાદ મુજબ ફરિયાદીને સંતાનમાં એક દિકરી અને બે દીકરા હોય, જે ત્રણેયના લગ્ન થઈ ગયા છે, અને હાલ તેઓ તેમના બંને દીકરાથી અલગ એકલા રહે છે, જેથી રૂપિયાની જરૂરિયાત પડતા ફરિયાદીએ સહકારી મંડળીમાંથી પાક ધિરાણ લેવા માટે ૭/૧૨નો ઉતારો કાઢતાં તેમાં તેમના બંને પુત્રોના નામ વારસદાર તરીકે નોંધાયેલા હોવાનું સામે આવ્યું. આ અંગે તપાસ કરતાં જાણવા મળ્યું કે તેમના પુત્ર ધવલભાઈ ડાંગર ઉવ.૩૦ રહે. શ્રીનાથજી સોસાયટી મવડી પ્લોટ, રાજકોટ વાળાએ ડિસેમ્બર-૨૦૨૫ દરમિયાન ખોટા સોગંદનામા અને ખોટો પેઢીઆંબો તૈયાર કરાવ્યો હતો.

વધુમાં, સોગંદનામામાં ફરિયાદી ગીતાબેનને માત્ર બે પુત્રો હોવાનું દર્શાવી તેમની પરિણીત દિકરી હોવાનું જ છુપાવવામાં આવ્યું હતું. એટલું જ નહીં, હયાતીમાં હક્ક દાખલ કરવા માટે તૈયાર કરાયેલા સોગંદનામામાં ફરિયાદી ગીતાબેનની ખોટી સહી કરી અથવા કરાવી મામલતદાર કચેરીમાં અરજી કરવામાં આવી હતી. તેના આધારે જમીનની વારસાઈમાં ધવલભાઈ અને તેમના ભાઈ સાગરના નામ દાખલ કરાવવામાં આવ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ સાથે ગીતાબેને સ્પષ્ટ જણાવ્યું છે કે તેઓ ક્યારેય હળવદમાં આવી કાર્યવાહી કરવા ગયા નહોતા તેમજ કોઈ સોગંદનામા પર સહી કરી નથી. સમગ્ર કાર્યવાહી તેમની જાણ બહાર કરવામાં આવી હોવાનું તેમણે ફરિયાદમાં જણાવ્યું છે. હાલ હળવદ પોલીસે ઉપરોક્ત આરોપી ધવલભાઈ ડાંગર તથા તપાસમાં ખુલ્લે તેની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!