દાવલિયા સીમની સંયુક્ત મિલકતના ભાગને લઈને ધારીયા, કુહાડી અને પાઇપથી હુમલો: બંને પક્ષે જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ નોંધાવી.
હળવદમાં સંયુક્ત મિલકતના ભાગને લઈને કુટુંબના ભાઈઓ વચ્ચે થયેલી બોલાચાલી મારામારીમાં પરિણમી હતી. બંને પક્ષે એકબીજા પર ધારીયા, કુહાડી અને પાઇપ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગે સામસામી ફરિયાદ નોંધાવતા પોલીસે બે અલગ અલગ ફરિયાદ નોંધી કુલ ચાર આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
હળવદના દાવલિયા સીમ વિસ્તારમાં આવેલી સંયુક્ત જમીનના ભાયુ ભાગને લઈને ગત ૧૫ જુલાઈની રાત્રે કુટુંબીજનો વચ્ચે વિવાદ સર્જાયો હતો. જેમાં પ્રથમ ફરિયાદમાં મેહુલભાઈ રમણીકભાઈ ગોઠી ઉવ.૩૭ રહે.કણબીપરા હળવદ વાળાની ફરિયાદ મુજબ, તેમના સગા કાકાના પુત્ર ધર્મેન્દ્રભાઈ ચમનભાઈ ગોઠી જમીનમાં ભાગની માંગણી કરવા આસ્થા રોડ ખાતે દાવલીયા તરીકે ઓળખાતી સીમમાં આવેલ વાડીએ આવ્યા હતા. બોલાચાલી બાદ આરોપી ધર્મેન્દ્રભાઈએ ધારીયું લઈને પરત આવ્યા અને ધારીયાના હાથાથી ફરિયાદી મેહુલભાઈ તેમજ તેમના ભાઈ નીલેશભાઈ પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
સામા પક્ષે ફરિયાદી ધર્મેન્દ્રભાઈ ચમનભાઈ ગોઠી ઉવ.૩૧ રહે. અવધ સોસાયટી મકાન નં.૪૫ સરા રોડ હળવદ વાળાએ નોંધાવેલી ફરિયાદમાં મિલકત અંગે વાતચીત દરમિયાન આરોપી મેહુલભાઈ અને નીલેશભાઈ અને અન્ય એક અજાણ્યા ઇસમે તેમના પર ધારીયા, કુહાડી અને પાઇપ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ધર્મેન્દ્રભાઈને માથા અને હાથમાં ગંભીર ઈજા પહોંચી હતી તેમજ ઝપાઝપી દરમિયાન સોનાની ચેઈન અને રોકડ રકમ પણ ગુમ થઈ હોવાનું તેમણે જણાવ્યું છે. હાલ બંને પક્ષોની ફરિયાદના આધારે હળવદ પોલીસે કુલ ૪ આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તેમજ જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






