મોબાઇલના પૈસાની તકરાર બાદ સર્જાયો વિવાદ: નાક અને પગમાં ફ્રેક્ચર જેવી ઇજા પહોંચાડનાર વિરુદ્ધ ફરિયાદ.
મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં પુત્ર સાથે થયેલા ઝઘડાનું સમાધાન કરવા ગયેલા પિતા ઉપર પથ્થર વડે હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. હુમલામાં ફરિયાદીને નાક અને પગમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા પહોંચી હતી. બનાવ અંગે પોલીસે આરોપી સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મોરબીના ઇન્દિરાનગરમાં રહેતા દેવજીભાઈ બેચરભાઈ ઉપસરીયા ઉવ.૩૬ એ બી ડિવિઝન પોલીસ સમક્ષ આરોપી ભાવેશ ઉપસરીયા રહે.ઇન્દિરાનગર મોરબી-૨ વાળા વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદ મુજબ, ફરિયાદીના પુત્ર ક્રિષ્ના અને આરોપી ભાવેશ ઉપસરીયા વચ્ચે અગાઉ મોબાઇલના પૈસાની બાબતે ઝઘડો થયો હતો. આ વિવાદ અંગે સમજાવવા માટે દેવજીભાઈ પોતાની પત્ની અને પુત્ર સાથે ઇન્દિરાનગરની જૂની નિશાળ પાસે ગયા હતા. જ્યાં વાતચીત દરમિયાન આરોપી ભાવેશ ઉપસરીયા ઉશ્કેરાઈ ગયો હતો અને જાહેરમાં ગાળો આપ્યા બાદ જમીન પરથી પથ્થર ઉઠાવી દેવજીભાઈ પર છુટ્ટા પથ્થર મારી હુમલો કર્યો હતો. જે પથ્થર નાકના ભાગે વાગતા લોહી નીકળ્યું હતું, જ્યારે અન્ય પથ્થર પગના થાપાના ભાગે વાગતા ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા પહોંચી હતી.
હુમલા બાદ આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી આપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. હાલ ઇજાગ્રસ્તને સારવાર માટે શિવમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને નાક અને ડાબા પગમાં ફ્રેક્ચર જેવી ઇજા હોવાનું તબીબોએ જણાવ્યું હતું. હાલ બી ડિવિઝન પોલીસે આરોપી સામે ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






