ટંકારાના ડેરીનાકા રોડ પર બાલકૃષ્ણ લાલની હવેલી સામે આવેલા રહેણાંક વિસ્તારમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. જેમાં મકાનનું તાળું તોડી સોનાના દાગીના, ચાંદીના દાગીના-સિક્કા અને રોકડ મળી કુલ રૂ.૯૮,૩૦૫/-નો મુદ્દામાલ ચોરી કરી લઈ ગયા હતા.
ટંકારાના ડેરીનાકા રોડ પર રહેતા ૬૪ વર્ષીય વિનોદભાઈ મૂળજીભાઈ ગોહેલે ટંકારા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ ગત તા.૫ ઓગસ્ટની રાત્રે સાડા બાર વાગ્યાથી વહેલી સવારે સાડા સાત વાગ્યાના સમયગાળા દરમિયાન અજાણ્યા તસ્કરોએ રહેણાંક મકાનમાં પ્રવેશ કરી તાળું તોડી ચોરી કરી હતી. આ સાથે મકાનમાંથી ૫ ગ્રામની સોનાની બુટીની જોડ, ચાંદીના ૪૦ ગ્રામના સાકડા-૨ જોડ, ચાંદીના ૧૦ ગ્રામના સિક્કા-૪ તથા રોકડ રૂ.૧૦ હજાર મળી કુલ રૂ.૯૮,૩૦૫/-નો મુદ્દામાલ ચોરી ગયા હતા. હાલ ચોરીના બનાવની ફરિયાદને આધારે ટંકારા પોલીસે આરોપી અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.






