એક રિક્ષા પાયલોટિંગ કરતી હતી, બીજીમાં દારૂ છુપાવ્યો હતો: કુલ રૂ.૧.૧૫ લાખનો મુદ્દામાલ જપ્ત.
વાંકાનેર સીટી પોલીસે જીનપરા જકાતનાકા પાસે નેશનલ હાઇવે પર બાતમીના આધારે બે સીએનજી રિક્ષામાં ૧૭૫ લીટર દેશી દારૂ કિ.રૂ.૩૫,૦૦૦/-ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂની હેરાફેરીમાં વપરાયેલી બે રિક્ષા સહિત કુલ રૂ.૧.૧૫ લાખનો મુદ્દામાલ કબજે કરી બે આરોપીઓની ધરપકડ કરી છે.
વાંકાનેર સીટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય ત્યારે બાતમી મળી કે, જીનપરા જકાતનાકા નજીક બે બજાજ મેક્સિમા સીએનજી રિક્ષામાં દેશી દારૂનો જથ્થો બાઉન્ડ્રી તરફથી મોરબી તરફ લઈ જવામાં આવી રહ્યો છે. જેમાં એક રિક્ષા પાયલોટિંગ કરી રહી છે.
બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી સીએનજી રિક્ષા જીજે-૧૩-એવી-૨૯૦૩ નંબરની રિક્ષાને રોકી તેના ચાલક આરોપી જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતો રમેશભાઈ ગોહેલ ઉવ.૩૪ રહે.લુણસરીયા તા.વાંકાનેર વાળાને ઝડપી લીધો હતો. ત્યારબાદ પાછળ આવતી જીજે-૩૬-યુ-૩૧૯૦ નંબરની રિક્ષામાં તપાસ કરતાં તેમાંથી ૧૭૫ લીટર દેશી દારૂ રૂ.૩૫,૦૦૦/- મળી આવ્યો હતો. જેથી તે રિક્ષાના ચાલક આરોપી કાનો દાનાભાઈ ગમારા ઉવ.૨૯ રહે.ભરવાડપરા વાંકાનેર વાળાની પણ અટક કરી હતી. આ સાથે વાંકાનેર સીટી પોલીસ ટીમે બંને રીક્ષા અને દેશી દારૂ સહિત ૧,૧૫,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ બંને આરોપીઓ સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.






