ખેડૂતો પર લાઠીચાર્જ થશે તો અન્ય રાજ્યોમાં કલેક્ટર-પોલીસ સ્ટેશનોના ઘેરાવની ચીમકી: એમએસપી, વીજ ટાવર લાઈનો અને ખેડૂતોની આર્થિક સ્થિતિ મુદ્દે સરકાર પર આકરા પ્રહાર.
મોરબી જીલ્લા ખેડૂત એકતા સમિતિ દ્વારા રવાપર ખાતે યોજાયેલી ખેડૂત મહાસભામાં ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય નેતાઓ રાકેશ ટીકૈત અને યુધવીરસિંહ ચૌધરી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સભામાં ખેડૂતોના એમએસપી, દેવા, વીજ ટાવર લાઈનો અને અન્ય પ્રશ્નો અંગે સરકાર સામે આકરા આક્ષેપો કરવામાં આવ્યા હતા. રાકેશ ટીકૈતે ‘વન નેશન, વન આંદોલન’નું એલાન કરતાં ગુજરાતમાં ખેડૂતો પર લાઠીચાર્જ થશે તો અન્ય રાજ્યોમાં સરકારી કચેરીઓ અને પોલીસ સ્ટેશનોના ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
મોરબી જીલ્લા ખેડૂત એકતા સમિતિ દ્વારા રવાપર ખાતે મોટી ખેડૂત મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેડૂતોના વિવિધ પ્રશ્નો અને હક્કોની ચર્ચા માટે યોજાયેલી આ સભામાં મોરબી ઉપરાંત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો અને ખેડૂત આગેવાનો જોડાયા હતા. જેતપર અને પડધરીના કિસાન આગેવાનો ઉપરાંત કોંગ્રેસના પ્રમુખ નયન પટેલ, આમ આદમી પાર્ટીના પંકજ રાણસરીયા સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ રાષ્ટ્રીય કિસાન નેતાઓ રાકેશ ટીકૈત અને યુધવીરસિંહ ચૌધરી સહિત મંચ પર ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો.
સભામાં સંબોધન કરતાં યુધવીરસિંહે ખેડૂતોની આર્થિક સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ખેડૂત પરિવાર દિવસના આશરે ૧૮ કલાક સુધી ખેતી અને પશુપાલનના કામમાં જોતરાયેલો રહે છે, તેમ છતાં યોગ્ય આવક ન મળતાં બેંક અને સાહુકારોના દેવામાં ડૂબેલો રહે છે. વધુ ઉત્પાદન થાય તો બજારમાં ભાવ ઘટે છે અને ઓછું ઉત્પાદન થાય તો પણ ખેડૂતોને નુકસાન સહન કરવું પડે છે. એમએસપીના મુદ્દે સરકાર પર ગંભીર આક્ષેપ કરતાં દાવો કર્યો હતો કે સરકાર સત્તામાં આવી ત્યારથી ખેડૂતોને એમએસપીમાં આશરે રૂ.૬૦ લાખ કરોડ ઓછા ચૂકવવામાં આવ્યા છે. તેમણે સરકાર દ્વારા ખેડૂતોને આપવામાં આવતા વાર્ષિક રૂ.૬ હજારની સહાય અંગે પણ ટીકા કરી હતી.
ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતી વીજ ટાવર લાઈનોના મુદ્દે પણ મહાસભામાં ભારે ચર્ચા થઈ હતી. યુધવીરસિંહે આક્ષેપ કર્યો હતો કે આવી લાઈનો જાહેર હિત કરતાં વીજળીના વેપાર માટે નાખવામાં આવી રહી છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે ખાનગી કંપનીઓને વીજળીના વેપારમાં લાભ થતો હોય તો ખેડૂતોની ફળદ્રુપ જમીનમાંથી જ લાઈનો કેમ પસાર કરવામાં આવે? તેમણે સરકારને સૂચન કર્યું હતું કે કંપનીઓએ હાઈવે અથવા સરકારી રસ્તાઓની બાજુમાંથી લાઈનો પસાર કરવી જોઈએ અને જો ખેડૂતની જમીનની જરૂર હોય તો ખેડૂત સાથે સીધી સંમતિ અને સોદા દ્વારા જમીન મેળવવી જોઈએ. ખેડૂતોની મંજૂરી વિના ટાવર લાઈનો નાખવાનો પ્રયાસ થશે તો ભારતીય કિસાન યુનિયન ખેડૂતોની પડખે ઊભું રહેશે અને જરૂર પડે તો વિવિધ રાજ્યોમાં આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી હતી.
યુધવીરસિંહે ગુજરાતના ખેડૂતો અંગે જણાવ્યું હતું કે છેલ્લા ૩૫ વર્ષથી ગુજરાતનો ખેડૂત શાંત છે અને સૂતો છે તેવી છાપ ઊભી કરવામાં આવી હતી, પરંતુ મોરબીમાં જોવા મળેલી ખેડૂતોની જાગૃતિએ આ છાપ ખોટી સાબિત કરી છે. ગુજરાતે હવે અંગડાઈ લીધી છે અને ખેડૂતોની લડતનો આગાઝ થઈ ચૂક્યો છે, જેને રોકવી મુશ્કેલ છે તેમ તેમણે જણાવ્યું હતું.
મહાસભામાં રાકેશ ટીકૈતે સરકારની નીતિઓ સામે આકરા પ્રહારો કરતાં ‘વન નેશન, વન આંદોલન’નો નારો આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે દેશમાં એક કરન્સી ચાલે છે અને ‘વન નેશન, વન ઇલેક્શન’ની ચર્ચા થાય છે, ત્યારે હવે ખેડૂતો પણ દેશવ્યાપી એકજૂથ આંદોલનની દિશામાં આગળ વધશે. રાકેશ ટીકૈતે વધુમાં જણાવ્યું હતું કે જો મોરબી કે ગુજરાતમાં ખેડૂતો પર લાઠીચાર્જ અથવા દમન કરવામાં આવશે તો તેની અસર અન્ય રાજ્યોમાં પણ જોવા મળશે. ઉત્તર પ્રદેશ, હરિયાણા અને પંજાબ સહિતના રાજ્યોમાં ખેડૂતો કલેક્ટર કચેરી, એસએસપી કચેરી અને પોલીસ સ્ટેશનોનો ઘેરાવ કરશે તેવી ચીમકી તેમણે આપી હતી. રાકેશ ટીકૈતે મોરબીમાં ખેડૂતોની મોટી હાજરી અંગે જણાવ્યું હતું કે રાત્રે ૧૨ વાગ્યા સુધી પણ મોટી સંખ્યામાં ખેડૂતો શાંતિથી બેઠા રહ્યા તે પોતે જ ખેડૂતોની જાગૃતિ અને એકતાનું ઉદાહરણ છે.
મોરબીની મચ્છુ હોનારત બાદ શહેરને ફરી બેઠું કરવામાં સ્થાનિક ખમીરવંતી લોકોના યોગદાનને યાદ કરતાં સરપંચ મુન્નાભાઈ આહીરે પણ પોતાના સંબોધનમાં સરકારની ભૂમિકા અંગે સવાલો ઉઠાવ્યા હતા. આ ઉપરાંત પંકજ રાણસરીયાએ અન્યાય સામે અવાજ ઉઠાવવાની અપીલ કરતાં કહ્યું હતું કે અન્યાય સામે લડી ન શકો તો ઓછામાં ઓછું બોલો, લખો અને સાથ આપો; અને જો કશું ન કરી શકો તો લડનારનું મનોબળ ન તોડો.
મહાસભા દરમિયાન મનોજ પનારાએ જાહેરાત કરી હતી કે આગામી ૧૧મી તારીખે પણ દેશભરના કિસાન નેતાઓ જેતપર છાવણી ખાતે ઉપસ્થિત રહેશે. જેના પગલે મોરબી જીલ્લામાં ખેડૂતોના પ્રશ્નોને લઈને આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનવાના સંકેતો જોવા મળી રહ્યા છે. મહાસભામાં ખેડૂતોના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા સાથે સરકાર સામે સંગઠિત લડતની દિશા નક્કી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં ખેડૂતોની હાજરીને કારણે રવાપર ખાતે યોજાયેલી આ મહાસભા મોરબી જીલ્લાના ખેડૂત આંદોલન માટે મહત્વપૂર્ણ બની રહી હતી.






