મોરબી દરબારગઢ જાની શેરીમાંથી બે મહિલા સહિત ૮ ઝડપાયા, બે મહિલા નાસી છૂટી.
મોરબી શહેર અને ટંકારા પોલીસે જુગારની પ્રવૃત્તિ સામે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં મોરબીના દરબારગઢ વિસ્તારમાં આવ જાની શેરીમાં પોલીસે દરોડો પાડી બે મહિલા સહિત ૮ શખ્સોને રોકડા રૂ.૧૪,૨૦૦ની રોકડ સાથે ઝડપી પાડ્યા હતા, જ્યારે બે મહિલાઓ નાસી છૂટતાં કુલ ૧૦ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. આ ઉપરાંત ટંકારાના ઉગમણા નાકા નજીક જાહેરમાં જુગાર રમતા ૪ શખ્સોને રૂ.૧,૫૯૦/-સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.
મળતી વિગતો મુજબ, મોરબી સીટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન દરબારગઢની જાની શેરીમાં જુગાર રમાતો હોવાની માહિતીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાંથી પોલીસે અમિતભાઈ ગજરા, જયેશભાઈ ખાંભલા, અનિરુદ્ધસિંહ ઝાલા, બાસિદભાઈ સંજાત, વાલજીભાઈ રાંકજા, જયદીપભાઈ આલ, અંજનાબેન નિમાવત અને નયનાબા ઝાલાને રૂ.૧૪,૨૦૦/-ની રોકડ સાથે ઝડપી પાડ્યા હતા. દરોડા દરમિયાન ઝરીનાબેન સુમરા અને અલકાબેન વાઘેલા સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. આ અંગે કુલ ૧૦ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી મોરબી સીટી એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
બીજા દરોડાની પ્રાપ્ત વિગત મુજબ, ટંકારા પોલીસ ટીમે ઉગમણા નાકા પાસે કોળીવાસ ચોકમાં જાહેર જગ્યાએ ગંજીપત્તાના પાના વડે ત્રણ પાનાનો જુગાર રમતા આનંદભાઈ દંતેશરીયા, વિશુલભાઈ વકાતર, પરસોત્તમભાઈ દંતેશરિયા અને જગદીશભાઈ ઉધરેજાને રોકડા રૂ.૧,૫૯૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે ચારેય વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






