કચરો હટાવવાનું કહેતા આરોપીએ ગાળો આપી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી.
હળવદના ચરાડવા ગામે મઢુલી ઓટો ગેરેજ પાસે ઉકરડાનો કચરો ફેલાવા બાબતે બોલાચાલી બાદ આરોપીએ ગેરેજ માલિકને પાવડાના ઘા મારી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, ચરાડવાના દશરથ ભાવસીંગભાઈ પઢીયાર ઉવ.૩૪એ આરોપી મેહુલ નવઘણભાઈ ભરવાડ રહે. ચરાડવા તા.હળવદ વાળા વિરુદ્ધ ફરિયાદમાં જણાવ્યું છે કે, ગેરેજ નજીક કરાયેલા ઉકરડાનો કચરો હટાવવા કહેતાં આરોપી મેહુલ નવઘણભાઈ ભરવાડ ગેરેજે આવ્યો હતો. તેણે બોલાચાલી કરી ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો અને હાથમાં રહેલા પાવડાથી ફરિયાદીને માથા તથા કાનના ભાગે બે ઘા માર્યા હતા અને હવે પછી ઉકરડાનો કચરો ઉપાડવાનું કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે હળવદ પોલીસે આરોપી વિરુદ્ધ બીએનએસની કલમો અને જીપી એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






