હર ઘર તિરંગા અભિયાન અન્વયે ‘વંદે માતરમ્ @૧૫૦’ ની થીમ સાથે મોરબી જીલ્લામાં ૧૫ ઓગસ્ટ સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો.
મોરબી: સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યની સાથે મોરબી જીલ્લામાં પણ દેશભક્તિ અને રાષ્ટ્રીય ચેતનાનો સંચાર કરવા હર ઘર તિરંગા અભિયાન અન્વયે વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ૧૩ ઓગસ્ટના રોજ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ વર્ષે તિરંગા યાત્રા “વંદે માતરમ્ @૧૫૦” ની વિશેષ થીમ હેઠળ યોજાઈ રહી છે. આ ઝુંબેશ અંતર્ગત મોરબી જીલ્લાના તમામ તાલુકાઓ તથા સમગ્ર જીલ્લામાં વિવિધ દેશભક્તિસભર કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત જીલ્લા કક્ષાની મુખ્ય તિરંગા યાત્રા તા. ૧૩/૦૮/૨૦૨૬ ના રોજ સવારે ૯:૦૦ કલાકે પોલીસ પરેડ ગ્રાઉન્ડથી પ્રારંભ થઈને સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેચ્યુ નવા બસ સ્ટેન્ડ સુધી યોજાશે.
યાત્રાના પ્રસ્થાન સ્થળે ‘વંદે માતરમ્’નું સંપૂર્ણ સામૂહિક ગાન કર્યા બાદ તિરંગા યાત્રાને ફ્લેગ ઓફ કરાવવામાં આવશે. આ યાત્રાના સમગ્ર રૂટ પર શાળાના નાના-નાના બાળકો દ્વારા સ્વાતંત્ર્ય સેનાનીઓની વેશભૂષા અને પ્રસ્તુતિઓ કરવામાં આવશે.






