કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાએ ચોમાસુ સત્ર દરમિયાન કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે મુલાકાત કરી કચ્છ અને મોરબી વિસ્તારમાં રેલવે સુવિધાઓ વધારવા તથા નવી ટ્રેન સેવાઓ શરૂ કરવા રજૂઆત કરી હતી.
રજૂઆતમાં ભુજ-સરાય રોહિલા ટ્રેનને હરિદ્વાર સુધી લંબાવવા, મોરબી-મુંબઈ વચ્ચે વંદે ભારત ટ્રેન સેવા શરૂ કરવા, ભુજ-થાણા વચ્ચે નવી રેલ સેવા શરૂ કરવા તેમજ ભુજ-ગાંધીધામથી ઉપડતી ટ્રેનોને માળિયા સ્ટોપેજ આપવા માંગ કરવામાં આવી હતી.
આ ઉપરાંત ગાંધીધામ-ભાગલપુર ટ્રેન નંબર 09451ને કન્ટિન્યુ કરવા, કચ્છથી ઉત્તર પ્રદેશને જોડતી નમો ભારત ટ્રેન શરૂ કરવા તેમજ મોરબી-અમદાવાદ અને મોરબી-રાજકોટ વચ્ચે ટ્રેન સેવા શરૂ કરવા પણ રજૂઆત કરવામાં આવી હતી.
સાંસદની રજૂઆતને કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સકારાત્મક અભિગમ સાથે સાંભળી હોવાનું પ્રેસનોટમાં જણાવાયું છે. આ સેવાઓથી કચ્છમાં ધંધા-રોજગાર અર્થે સ્થાયી થયેલા પરિવારો તેમજ ધાર્મિક સ્થળોની યાત્રા કરતા લોકોને વધુ રેલવે સુવિધા મળવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.






