જીલ્લાઓની વિવિધ શાળામાં વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરાયું.
મોરબી: ગુજરાતના ગૌરવ એવા સિંહ અને તમામ વન્યપ્રાણીઓની સાથે તેમના સંરક્ષણ અને સંવર્ધનની સાથે તેમના અસ્તિત્વ વિશે લોકોમાં જાગૃતિ આવે તે માટે વન વિભાગ દ્વારા રાજ્યમાં વર્ષ ૨૦૧૬ થી દર વર્ષે ૧૦ ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે મોરબીમાં નાયબ વન સંરક્ષક ડો. સુનિલકુમાર બેરવાલની અધ્યક્ષતામાં વિશ્વ સિંહ દિવસનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.
ઉમા વિદ્યા સંકુલ સહિત મોરબીની વિવિધ શાળાઓમાં વન વિભાગના અધિકારી અને કર્મચારીઓની હાજરીમાં અંદાજિત ૫૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ સાથે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓમાં વન્યજીવ સંરક્ષણ પ્રત્યે જાગૃતિ અને સંવેદનશીલતા આવે તે હેતુથી ચિત્ર સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું . સિંહના માસ્ક પહેરી વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સાહ રેલી કાઢવામાં આવી હતી તેમજ વન્ય પ્રાણીઓ વિશે પ્રાથમિક સમજ અને વન્ય પ્રાણીઓ નું મહત્વ દરેક વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું હતું. ઉપરાંત વૃક્ષ વાવી તેનું જતન કરવા અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી વન વિભાગના અધિકારીઓ કર્મચારીઓ અને શાળાના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.






