મોરબી તાલુકાના 2019ના પોક્સો કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે સંભળાવ્યો ચુકાદો
મોરબી તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મ અને ધમકીના 2019ના કેસમાં મોરબીની સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપી રમેશભાઈ પુનાજીભાઈ ડામોરને દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. સાથે જ આરોપીને રૂ.25 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. દંડ ન ભરવામાં આવે તો વધુ છ માસની સાદી કેદ ભોગવવાનો હુકમ કરાયો છે.
કોર્ટના ચુકાદા મુજબ આરોપી સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2019માં ગુનો નોંધાયો હતો. કેસમાં પોક્સો એક્ટની કલમ 3(એ)(સી), 4 અને 5 તથા ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.કેસની સુનાવણી દરમિયાન ફરિયાદ પક્ષે ૧૧ મૌખિક તેમજ ૩૪ દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા તેમજ મદદનીશ સરકારી વકીલ એન.ડી કારીઆ દ્વારા ધારદાર દલીલો રજુ કરવામાં આવી હતી.સમગ્ર કેસ આરોપીની હાજરીમાં ચલાવવામાં આવ્યો હતો પરંતુ દલીલો રજુ થયા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો અને 16 જુલાઈ 2026ના હુકમથી તેની ગેરહાજરીમાં કેસની કાર્યવાહી આગળ ચલાવવામાં આવી હતી.
મોરબી સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદ તથા રૂ.25 હજારના દંડની સજા સંભળાવી છે. દંડમાંથી રૂ.12,500 ભોગ બનનારને વળતર તરીકે ચૂકવવાનો તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ મારફતે ભોગ બનનારને વળતર ચૂકવવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે.






