મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ અને અપહરણના કેસમાં એડિશનલ સેશન્સ જજ તથા સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે.કોર્ટ દ્વારા મુખ્ય આરોપી વનરાજસિંહ ઉર્ફે નનુભા બયુભા ઝાલાને પોક્સો એક્ટ સહિતની કલમો હેઠળ દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદ અને રૂ.25,000નો દંડ ફટકારવામાં આવ્યો છે.
કેસની વિગતો મુજબ તા.13-02-2024ના રોજ સગીરાને આરોપી વનરાજસિંહ ઉર્ફે નનુભા બચુભા ઝાલા દ્વારા લગ્ન કરવાની લાલચ આપી ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી સગીરાને લઈ જઈ મોટરસાયકલ પર અપહરણ કરાયું હોવાનો આક્ષેપ હતો. ત્યારબાદ આરોપીએ સગીરા સાથે વારંવાર શરીરસંબંધ બાંધ્યો હોવાનો તેમજ અન્ય આરોપીઓએ મદદગારી કરી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ હતો. આ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
જે કેસ સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા ૧૭ મૌખિક પુરાવા અને ૩૫ દસ્તાવેજી પુરાવાને ધ્યાનમાં લઈ મદદનીશ સરકારી વકીલ સંજય સી.દવે અને એન.ડી. કારીઆ ની દલીલોને ધ્યાનમાં લઈ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે.કોર્ટના ચુકાદામાં વનરાજસિંહ ઉર્ફે નનુભા બચુભા ઝાલાને દોષિત ઠેરવી પોક્સો એક્ટની કલમ 6 હેઠળ 20 વર્ષની સખત કેદ તથા રૂ.25,000ના દંડની સજા કરવામાં આવી છે.
બીજી તરફ કેસમાં અન્ય ચાર આરોપીઓ સામેના આરોપો સાબિત ન થતાં કોર્ટ દ્વારા તેમને શંકાનો લાભ આપી નિર્દોષ ઠેરવી મુક્ત કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.નિર્દોષ ઠરેલા આરોપીઓમાં વિજુભા ઉર્ફે વિજયભાઈ ચેહુભા ઝાલા, મંગુભા બચુભા ઝાલા, દોલુભા ઉર્ફે દોલુ બચૂભા ઝાલા અને શક્તિસિંહ ઉર્ફે ટીનુંભા બાબુભા વાઘેલાનો સમાવેશ થાય છે.






