મોરબી એલસીબીની કાર્યવાહી: કુખ્યાત પ્રકાશ બિશ્નોઇને પાસા હેઠળ ડિટેઇન કરી સાબરમતી જેલ હવાલે કરાયો.
મોરબી જીલ્લામાં પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલા અને રાજસ્થાનમાં કરોડો રૂપિયાના ઇંગ્લિશ દારૂની હેરાફેરીના ગુનામાં મોસ્ટ વોન્ટેડ કુખ્યાત બુટલેગર પ્રકાશ મોહનલાલ લોલને મોરબી એલસીબીની ટીમે રાજસ્થાનના સાંચોરથી ઝડપી લીધો હતો. આ સાથે આરોપીને ગઈકાલ તા.૧૬ ઓગસ્ટે પાસા હેઠળ ડિટેઇન કરી સાબરમતી મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.
સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા તથા મોરબી જીલ્લા પોલીસવડા મુકેશ પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા આરોપીઓ સામે અટકાયતી પગલાં લેવાની કાર્યવાહી ચાલી રહી છે. આ અંતર્ગત માળીયા (મી) પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનના ગુનાનો આરોપી પ્રકાશ મોહનલાલ લોલ ઉવ.૩૨ રહે. સાંચોર ઝાલોર રાજસ્થાન વિરુદ્ધ મોરબી એલસીબી દ્વારા પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ મોકલવામાં આવી હતી. જીલ્લા મેજિસ્ટ્રેટે આરોપી વિરુદ્ધ પાસા વોરંટ ઈશ્યુ કરતાં એલસીબી/પેરોલ-ફર્લો સ્કવોડની ટીમ રાજસ્થાન રાજ્યના પહોંચી સાંચોર ખાતે આરોપીના રહેણાક મકાનેથી તેને ઝડપી હસ્તગત કરી મોરબી લાવવામાં આવ્યો હતો. જ્યાં ગઈકાલે તા.૧૬ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ આરોપીને પાસા એક્ટ હેઠળ ડિટેઇન કરી અમદાવાદ સાબરમતી મધ્યસ્થ જેલ હવાલે કર્યો હતો.
પાસા એક્ટ હેઠળ જેલ હવાલે કરેલ આરોપી પ્રકાશ મોહનલાલ લોલ વિરુદ્ધ માળીયા(મી) પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયેલ છે. ઉપરાંત રાજસ્થાનના સાંચોર પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૩માં એક્સાઇઝ એક્ટ હેઠળ પણ તે પકડાઈ ચૂક્યો છે. આ ઉપરાંત રાજસ્થાનના બિકાનેર જીલ્લાના નાપાસર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક્સાઇઝ એક્ટના ગુનામાં કબજે કરાયેલા ઇંગ્લિશ દારૂની ૧૮,૫૯૬ બોટલના મોટા જથ્થાના કેસમાં પ્રકાશ બિશ્નોઇ છેલ્લા આશરે છ મહિનાથી મોસ્ટ વોન્ટેડ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાલ મોરબી પોલીસે આ અંગે રાજસ્થાન પોલીસને પણ જાણ કરી આરોપીની તે ગુનામાં ધરપકડની કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે.






