ટંકારા તાલુકાના નેકનામથી આગળ ભારત ગેસના ગોડાઉન સામે હાઇવા ટ્રકે પાછળથી સ્કૂટરને અડફેટે લેતા રોહિશાળા ગામના વાલજીભાઈ ભોરણીયાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માત બાદ હાઇવા ટ્રક ચાલક પોતાનું વાહન લઈને નાસી ગયો હતો.
મળતી માહિતી મુજબ, ટંકારા તાલુકાના રોહિશાળા ગામે રહેતા વાલજીભાઈ ડાયાભાઈ ભોરણીયા ગઈકાલ તા. ૧૭/૦૮ના રોજ પોતાના ટી.વી.એસ. હેવી ડ્યુટી સ્કૂટર રજી.નં. જીજે-૦૩-પીઈ-૮૪૩૭ લઈને રોહીશાળાથી પડધરી ખેતીની દવા લેવા જઈ રહ્યા હતા. દરમિયાન નેકનામથી આગળ ભારત ગેસના ગોડાઉન સામે હાઇવા ટ્રક નં. જીજે-૩૬-એક્સ-૧૮૪૬ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે ચકાવી આવી પાછળથી સ્કૂટરને હડફેટે લેતા વલજીભાઈ સ્કૂટર સહિત રોડ ઉઓર પટકાયા હતા. આ દરમિયાન ટ્રકના ટાયરના જોટ્ટા નીચે આવી જતાં વાલજીભાઈને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માત બાદ હાઇવા ચાલક ટ્રક સાથે ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે મૃતકના ભાઈ ફરિયાદી અનીલભાઈ ડાયાભાઈ ભોરણીયા રહે.અમૃતનગર સોસાયટી રવાપર રોડ મોરબી વાળાની ફરિયાદને આધારે ટંકારા પોલીસે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.






