પોસ્ટમોર્ટમ અહેવાલમાં “હાઇપોવોલેમીક શોક”થી મોત થયાનું સામે આવ્યું.
વાંકાનેર તાલુકાના સરતાનપર ગામની સીમમાં કમાન્ડર સિરામીક કારખાનામાં કામ કરતી મજૂર મહિલાને ટાઇલ્સ વાગી ઇજા થયા બાદ સારવાર દરમિયાન તબિયત લથડી હતી. જે બાદ મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલાનું મોત થયું હતું. હાલ વાંકાનેર તાલુકા પોલીસે અ. મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.
મળતી વિગતો અનુસાર, સરતાનપર ગામની સીમમાં કમાન્ડર સિરામીકના લેબર ક્વાર્ટરમાં રહેતી હરીબાઇ ભાગચંદ ગુડાલભાઇ વંશલ ઉવ.૩૩ મૂળ મધ્યપ્રદેશના દમોહ જીલ્લાના વતનીને ગત તા.૨૩/૦૮/૨૦૨૬ના રોજ કારખાનામાં કામ કરતી વખતે જમણા પગમાં ટાઇલ્સ વાગતાં ઇજા થઇ હતી. સારવાર બાદ ઘરે પરત આવ્યા પછી ઝાડા-ઉલટી થતાં ફરી હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. ત્યારે તા.૨૪/૦૮ના રોજ વધુ સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તબીબે હૃદય બંધ પડી જવાથી મૃત્યુ જાહેર કર્યું હતું. જ્યારે પોસ્ટમોર્ટમ બાદ મોતનું કારણ શરીરમાં લોહીનું પ્રમાણ ઘટી જવાથી(હાઇપોવોલેમીક શોક) થયેલ હોવાનું સામે આવ્યું હતું. હાલ મૃત્યુના બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અ.મોત નોંધી તપાસ હાથ ધરી છે.






