લોખંડના ઘણ અને પાઇપ વડે બેફામ માર મારતાં યુવકને ગંભીર ઈજા: રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ.
મોરબી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિ વચ્ચે અસામાજિક તત્વોને છૂટો દોર મળી ગયો હોય તેમ ક્રાઇમ રેટ વધતો ગયો છે. તેમાંય વાવડી રોડ જાણે માથાભારે અને લુખ્ખા તત્વોનો અડ્ડો બની ગયો હોય તેમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. ત્યારે વાવડી રોડ પરની વધુ એક મારામારીની ઘટનામાં યુવક પર ત્રણ માથાભારે શખ્સો દ્વારા લોખંડના ઘણ અને પાઇપથી હુમલો કરાયો છે. હાલ ભોગ બનનાર યુવક રાજકોટ સિવિલ હોસ્પિટલના ટ્રોમા વિભાગમાં સારવાર હેઠળ છે.
મોરબીના વાવડી રોડ સુમતીનાથ સોસાયટીમાં રહેતા ભાવેશભાઇ જલાભાઇ દેવસુર ઉવ.૩૨ ગત તા.૦૮/૦૯ના રોજ પોતાની નોકરીએ ચાલીને જતો હોય તે દરમિયાન વાવડી રોડ ઉપર બાવળિયા પીરની દરગાહ પાસે આરોપી સલીમ ઉર્ફે સલો, બાબુ સંધી અને મકબુલ સંધી નામના ત્રણ શખ્સોએ તેને રોકી ‘તું અમારી સામું કેમ જુએ છે?’ કહી ગાળાગાળી કરી હતી. ત્યારબાદ બાબુ સંધીએ લોખંડના ઘણ વડે યુવકના ડાબા હાથની કોણી ઉપર તથા જમણા પગમાં માર માર્યો હતો. જ્યારે આરોપી સલીમ ઉર્ફે સલાએ લોખંડના પાઇપ વડે જમણા હાથની હથેળી અને આંગળીમાં તથા મકબુલ સંધીએ પાઇપ વડે શરીર પર આડેધડ માર માર્યો હતો.
હુમલામાં ભાવેશભાઈને હાથ-પગમાં ગંભીર ઇજાઓ થઈ હતી. જેથી સારવાર માટે પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ અને બાદમાં રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, આ બનાવ અંગે યુવકની ફરિયાદના આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે આરોપી ત્રણેય શખ્સો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૧૫(૨), ૧૧૭(૨), ૩૫૨, ૩૫૧(૩), ૫૪ તથા જીપી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.






