વીસીપરા-ધોળેશ્વર રોડ પર ખાલી મકાનમાં દરોડો: વિદેશી દારૂની ભરેલી ૮ અને ખાલી ૩૬ બોટલ જપ્ત, આરોપી નાસી છૂટ્યો.
મોરબીમાં બ્રાન્ડેડ વિદેશી દારૂની બોટલમાં નીચી ગુણવત્તાનો દારૂ ભરી ઊંચી કિંમતમાં દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પૂર્વ બાતમીને આધારે વીસીપરા-ધોળેશ્વર રોડ પર દરોડો પાડતા ૧૦૦-પાઈપર્સની ૮ ભરેલી બોટલ, ૩૬ ગ્રીન લેબલ વ્હિસ્કીની ખાલી બોટલો અને દારૂ ભરવા માટે વપરાતી પ્લાસ્ટિકની ગરણી મળી આવી હતી. દરોડા દરમિયાન આરોપી દીવાલ કૂદીને ભાગી છૂટ્યો હતો.
મળતી વિગતો મુજબ, બી ડિવિઝન પોલીસ ટીમને બાતમી મળી કે, સાજીદભાઇ કાદરભાઇ લધાણી રહે. વીસીપરા ધોળેશ્વર રોડ મોરબી પોતાના કબજા-ભોગવટાવાળા ખાલી મકાનમાં નીચી કિંમતના ઇંગ્લીશ દારૂને ઊંચી કિંમતની બ્રાન્ડેડ દારૂની ખાલી બોટલોમાં ભરી વેચાણ કરતો હોય જેથી તુરંત ઉપરોક્ત સ્થળે રેઇડ કરવામાં આવી હતી. સ્થળ ઉપર પોલીસ પહોંચતા આરોપી સાજીદભાઇ કાદરભાઇ લધાણી પાછળના દરવાજેથી દિવાલ ટપી નાસી ગયો હતો.
જે બાદ મકાનની તપાસ દરમિયાન ૧૦૦-પાઈપર્સ બ્લેન્ડેડ સ્કોચની ૭૫૦મીલી.ની ૮ ભરેલી બોટલો કિ.રૂ.૪,૫૨૦/- તેમજ ગ્રીન લેબલ વ્હિસ્કીની ૧૮૦મીલી.ની ૩૬ ખાલી બોટલો મળી આવી હતી. આ ઉપરાંત દારૂ એક બોટલમાંથી બીજી બોટલમાં ભરવા માટે ઉપયોગમાં લેવાતી પ્લાસ્ટિકની ગરણી પણ મળી આવી હતી. હાલ બી ડિવિઝન પોલીસે આરોપી સાજીદને ફરાર દર્શાવી તેની વિરુદ્ધ છેતરપિંડી અને પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.






