મોરબી સરકારી સિવિલ હોસ્પિટલ પરિસરમાંથી મોટરસાઇકલ ચોરી કરનાર બે તસ્કરોને મોરબી સીટી ‘એ’ ડિવિઝન પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરાઉ મોટરસાઇકલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ, મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલ તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એમ. આલના માર્ગદર્શન હેઠળ ‘એ’ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર વાય.બી. જાડેજા તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તપાસ હાથ ધરવામાં આવી રહી હતી.દરમિયાન ગત તા. ૧૩/૦૯/૨૦૨૬ના રોજ મોરબી સિવિલ હોસ્પિટલમાંથી એક ફરિયાદીનું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ ચોરાયું હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ ગુનાની તપાસ દરમિયાન મોરબી શહેરના ‘નેત્રમ’ સીસીટીવી કેમેરા ફૂટેજ તેમજ બાતમીદારોની મદદ લેવામાં આવી હતી. જેમાં સર્વેલન્સ ટીમને બાતમી મળી હતી કે મોરબી લીલાપર રોડ તરફ બે શખ્સો શંકાસ્પદ મોટરસાઇકલ સાથે પસાર થઈ રહ્યા છે.
બાતમીના આધારે પોલીસે તાત્કાલિક વોચ ગોઠવી શનીભાઇ ડાયાભાઇ દેવાભાઇ નારોલા (ઉં.વ. ૨૨, રહે. વજેપર શેરી નં. ૧૪, મોરબી) અને ઇરફાનભાઇ કરીમભાઇ બ્લોચ (ઉં.વ. ૨૩, રહે. રણછોડનગર પાણીના ટાંકા પાસે, નવલખી રોડ, મોરબી) નામના શખ્સોને અટકાવી મોટરસાઇકલના કાગળો માંગતા તેઓ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા. કડકાઈથી પૂછપરછ કરતાં તેઓએ આ સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ (રજી. નં. GJ-09-DH-2527) સિવિલ હોસ્પિટલમાંથી ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. પોલીસે રૂ. ૪૦,૦૦૦ની કિંમતનું બાઇક કબ્જે કરી બી.એન.એસ. કલમ ૩૦૩(૨) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલ આરોપી ઇરફાન બ્લોચ સામે અગાઉ પણ મોરબી તાલુકા પોલીસ મથકમાં હત્યાના પ્રયાસ (IPC કલમ ૩૦૭ સહિત) સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ કામગીરી મોરબી સીટી ‘એ’ ડિવિઝન પોલીસ ટીમ દ્વારા કરવામાં આવી હતી.






