કચ્છ-મોરબી હાઇવે પર વાહન ચેકિંગ દરમિયાન કાર્યવાહી: પાણી-ઘાસચારાની વ્યવસ્થા વગર ખીચોખીચ ભરેલા અબોલ જીવોને છોડાવી પાંજરાપોળમાં મોકલાયા.
માળીયા(મી) પોલીસ દ્વારા કચ્છ-મોરબી નેશનલ હાઇવે પર વાહન ચેકિંગ દરમિયાન એક આઈસર ટ્રકમાંથી ૭૧ ઘેટાં ક્રૂરતાપૂર્વક ભરેલી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે ટ્રકના ચાલક સહિત ચાર ઈસમોને ઝડપી કુલ રૂ.૭.૭૧ લાખનો મુદ્દામાલ કબજે કરી નિર્દોષ અબોલ જીવોને ખાખરેચી ગામની પાંજરાપોળ ખાતે રાખવાની તજવીજ કરી હતી.
માળીયા(મી) પોલીસની ટીમ ગત તા.૨૧ સપ્ટેમ્બરની મોડી રાત્રે નાઇટ રાઉન્ડ દરમિયાન કચ્છ-મોરબી નેશનલ હાઇવે પર વિશાલા હોટલ નજીક વાહન ચેકિંગ કરી રહી હતી. દરમિયાન કચ્છ તરફથી આવતી શંકાસ્પદ આઈસર ટ્રક રજી.નં. જીજે-૦૯-ઝેડ-૯૩૬૫ને રોકી તપાસ કરતાં તેના ઠાઠામાં નાના-મોટા કુલ ૭૧ ઘેટા ખીચોખીચ અને દયનીય હાલતમાં ભરેલા મળી આવ્યા હતા. ઘેટા માટે પીવાના પાણી તથા ઘાસચારાની કોઈ વ્યવસ્થા પણ રાખવામાં આવી ન હતી.
જેથી પોલીસે ટ્રકના ચાલક ફીરોજભાઈ આદમભાઈ ઓડ ઉવ.૫૫ રહે.વણસલની નળી રતનપુર તા.માતર જી.ખેડા તેમજ તેની સાથે રહેલા આરીફભાઈ ફીરોજભાઈ ઓડ ઉવ.૨૨ રહે. વણસલની નળી રતનપુર તા.માતર જી.ખેડા, મેરાભાઈ હમીરભાઈ ખાંભલા ઉવ.૫૪ રહે. લોડાઈ ગામ તા.ભુજ જી.કચ્છ અને યુનુસભાઈ આદમભાઈ ઓડ ઉવ.૩૭ રહે. ખેડા કેમ્પ ઈન્દિરાનગરી તા.જી.ખેડાને ઝડપી લીધા હતા. આ સાથે ચારેય આરોપીઓ પાસે ઘેટાની હેરફેર અંગે કોઈ આધાર પુરાવા કે પાસ પરમિટ પણ ન હોય ત્યારે પોલીસે ૭૧ ઘેટા કિ.રૂ.૭૧,૦૦૦/- અને હેરફેર માટે ઉપયોગમાં લેવાયેલી આઈસર ટ્રકની કિ.રૂ.૭ લાખ ગણી કુલ રૂ.૭.૭૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
માળીયા(મી) પોલીસે છોડાવેલ ઘેટાને ખાખરેચી ગામની પાંજરાપોળ ખાતે રાખવાની તજવીજ કરવામાં આવી હતી. હાલ પકડાયેલ ચારેય આરોપીઓ સામે પશુ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમની કલમ તથા જીપી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.






