સરતાનપર રોડ ઉપર સિરામિકના ગ્રાઉન્ડમાં ટ્રક રિપેરિંગ બાદ એર પ્રેશર ભરતી વખતે નટ-બોલ્ટનું પાનું લેવા ટ્રક નીચે જતા અકસ્માત સર્જાયો.
વાંકાનેરના સરતાનપર રોડ પર આવેલા રીચ સિરામિકના ગ્રાઉન્ડમાં ટ્રક રિપેરિંગ બાદ એર પ્રેશર ભરતી વખતે નટ-બોલ્ટ ખોલવાનું પાનું લેવા હેન્ડ બ્રેક માર્યા વગર ટ્રક નીચે ગયેલા ૧૯ વર્ષીય યુવક ઉપર ટ્રકનું પાછળનું ટાયર ફરી વળ્યું હતું. ગંભીર ઈજાગ્રસ્ત યુવકનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડતા જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર, મધ્યપ્રદેશના મંદસૌર જીલ્લાના વારની ગામના ૧૯ વર્ષીય દિલીપ કાલુરામ પવાર ટ્રકમાં ડ્રાઇવર તરીકે કામ કરતા હતા. ત્યારે ગત તા. ૨૪/૦૯ના રોજ તેઓ ક્લિનર કલમસિંહ સોનીગરા સાથે ટ્રક રજી.નં. આરજે-૫૦-જીબી-૧૮૩૬ લઈને મોરબી-લખધીરપુર રોડ પરની લ્યુમેન્સ સિરામિકમાં ટાઇલ્સ ભર્યા બાદ વધુ માલ ભરવા સરતાનપર રોડ પર આવેલ રીચ સિરામિક ખાતે પહોંચ્યા હતા. ત્યારે રીચ સિરામિકના ગ્રાઉન્ડમાં ટ્રકનું પિસ્ટન તૂટી જતાં મિસ્ત્રીને બોલાવી રિપેરિંગ કરાવ્યું હતું. જે બાદ રાત્રિના આશરે સાત વાગ્યે રિપેરિંગ પૂર્ણ થયા બાદ ટ્રક ચાલક દિલીપ ટ્રકમાં એર પ્રેશર ભરી રહ્યા હતા. આ દરમિયાન મિસ્ત્રીનું નટ-બોલ્ટ ખોલવાનું પાનું ટ્રક નીચે રહી ગયાનું જણાતા તે ટ્રકની હેન્ડ બ્રેક તથા કોઈ પણ સલામતી રાખ્યા વગર પાનું લેવા માટે ચાલક દિલીપ ટ્રકની નીચે ગયો હતો. તે સમયે ટ્રક અચાનક પાછળ તરફ ખસતાં કેબિન પાછળનું ટાયર દિલીપના પેટ અને કમરના ભાગ પરથી ફરી વળ્યું હતું.
અકસમાતમાં ગંભીર રીતે ઘવાયેલા દિલીપને ૧૦૮ મારફતે મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડાયા બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. બનાવ અંગે ટ્રકના ક્લિનર કલમસિંહ હરીસિંહ સોનીગરાની ફરિયાદને આધારે વાંકાનેર તાલુકા પોલીસે મૃતક ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.






