રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ગોંડલ તાલુકાના બાંદ્રા ગામની સીમમાં રાજકોટ રેન્જ ટીમે દેશી દારૂ બનાવવાની ચાલુ ભઠ્ઠી ઝડપી પાડી છે. દરોડા દરમિયાન દેશી દારૂ, આથો, બોલેરો પીકઅપ, મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 7,52,300નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
રાજકોટ રેન્જના ડીઆઈજી નિર્લિપ્ત રાયની સૂચના અને રાજકોટ રેન્જ પોલીસ ઇન્સ્પેક્ટર અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.એન. મોરી, બી.સી. મિયાત્રા, સી.એમ. કાંટેલીયા, એ.વાય. ઉધાસ તથા સ્ટાફ દ્વારા ગેરકાયદેસર પ્રોહિબિશન પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ટીમે ગોંડલ તાલુકાના બાંદ્રા ગામની સીમમાં મેલડીમાંના મંદિર પાસે આવેલા ખેતરમાં દરોડો પાડ્યો હતો. ખેતરમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચાલુ હોવાનું સામે આવ્યું હતું.દરોડા દરમિયાન પોલીસે 940 લીટર દેશી દારૂ (કિંમત રૂ. 1,88,000), 1,700 લીટર આથો (કિંમત રૂ. 42,500), ત્રણ મોબાઇલ ફોન (કિંમત રૂ. 8,500), બોલેરો પીકઅપ GJ-01-ET-2762 તેમજ દેશી દારૂ બનાવવાના સાધનો સહિત કુલ રૂ. 7,52,300નો મુદ્દામાલ કબજે કર્યો હતો.પોલીસે સ્થળ પરથી કિશોર બટુકભાઈ ડાભી, કિશન હરેશભાઈ પરમાર અને વિપુલ નાથાભાઈ દેવગણીયા, ત્રણેય રહે. ગોંડલ,ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે અનીલ ઉર્ફે બાવો મનજીભાઈ પરમાર, રહે. ગોંડલને પકડવાનો બાકી હોવાનું પોલીસે જણાવ્યું છે.આ અંગે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ચારેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.






