૧૫૦૦ કિલો એલ્યુમિનિયમ પાવર કેબલ કાપી તેમાંથી કોપર વાયર કાઢી ચોરી કરી લઈ ગયા.
મોરબી તાલુકાના રફાળીયા ગામ પાસે આવેલા જેટકોના સબ સ્ટેશનમાં મોડી રાત્રે તસ્કરોએ દીવાલ ટપી ગેરકાયદેસર પ્રવેશ કરી ૧૫૦૦ કિલો જેટલા એલ્યુમિનિયમ પાવર કેબલને કાપી નુકસાન પહોંચાડ્યું હતું અને કેબલમાંથી અંદાજે રૂ.૭૮,૬૪૬/-ની કિંમતના કોપર વાયર કાઢી ચોરી કરી લઈ જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
મોરબી તાલુકાના રફાળીયા ગામ પાસે જેટકોનું સબ સ્ટેશન આવેલું છે, જ્યાં જેટકો કંપની દ્વારા અંદાજે ૧૫૦૦ કિલો વજનનો એલ્યુમિનિયમ પાવર કેબલ રાખવામાં આવ્યો હતો. ગત તા.૦૫/૧૦/૨૦૨૬ની મોડી રાત્રે અજાણ્યા શખ્સે સબ સ્ટેશનના કેમ્પસની દિવાલ ટપી ચોરીના ઇરાદે પ્રવેશ કર્યો હતો અને ખુલ્લામાં પડેલા કેબલને ચીરી-કાપી નુકસાન પહોંચાડ્યું હતું અને તેમાંથી અંદાજે રૂ.૭૮,૬૪૬/-ની કિંમતનો કોપર વાયર કાઢી ચોરી કર્યો હતો. ત્યારે સમગ્ર ચોરીના બનાવ અંગે સબ સ્ટેશનમાં ફરજ પરના કર્મચારીઓએ સવારે એરીયા સુપરવાઇઝરને જાણ કરતા કંપનીના અધિકારીઓએ સ્થળ પર પહોંચી તપાસ કરતાં કોપર વાયર ચોરી થયાનું સામે આવ્યું હતું. હાલ એરીયા સુપરવાઇઝર નીરવભાઈ ભાણજીભાઈ કામળીયાની ફરિયાદને આધારે મોરબી તાલુકા પોલીસે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.






