પિતા સામે કરેલ પોલીસ ફરિયાદનો ખાર રાખી દીકરાએ ધમકીઓ આપી.
માળીયાના ખીરઈ ગામે પિતા વિરુદ્ધ થયેલી પોલીસ ફરિયાદનો ખાર રાખી પુત્રએ યુવકને ફોન કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે બનાવ અંગે ભોગ બનનારની ફરિયાદને આધારે માળીયા(મી) પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, માળીયા તાલુકાના ખીરઈ ગામના સુલ્તાનભાઈ રહેમાનભાઈ સામતાણી ઉવ.૪૭ને ખીરઈ ગામના જ નાસીર રણમલભાઈ સામતાણીએ ફોન કરી ગાળો આપી હતી. જેમાં ફરિયાદી સુલ્તાનભાઈએ આશરે દોઢ મહિના અગાઉ આરોપી નાસીરના પિતા રણમલભાઈ વિરુદ્ધ માળીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી, જેનો ખાર રાખી આરોપી નાસીરે ફોન ઉપર હથિયાર વડે ભડાકા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ મામલે માળીયા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.






