પ્રેમપ્રકરણમાં યુવતીની શોધખોળ મામલે બંને પક્ષે મારામારી: લાકડીઓ વડે જીવલેણ હુમલામાં ફ્રેક્ચર અને દાંત તૂટવા સહિતની ઈજાઓ.
વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણના મામલે થયેલી હત્યાના બનાવમાં હવે સામા પક્ષે પણ ફરિયાદ નોંધાવી છે. દેવાભાઈ મકવાણાની ફરિયાદ મુજબ, યુવતીની શોધખોળના મુદ્દે મૃતક સગરામભાઈ સરવૈયા સહિત આઠ વ્યક્તિઓએ એકસંપ થઈ મંડળી રચી તેમના ઘરે આવી લાકડીથી હુમલો કર્યો હતો. ફરિયાદના આધારે વાંકાનેર તાલુકા પોલીસે મૃતક સગરામભાઈ સહિત આઠ સામે મારામારી, ઈજા અને જાનથી મારી નાખવાની ધમકી સહિતની લાગુ પડતી કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.
વાંકાનેર તાલુકાના ખાનપર ગામે ગઈ તા. ૭ ઓક્ટોબરના રોજ પ્રેમપ્રકરણના મામલે થયેલી મારામારી અને હત્યાના બનાવમાં સામસામી ફરિયાદો નોંધાઈ છે. જેમાં દેવાભાઈ ઉકાભાઈ મકવાણા ઉવ.૪૦ એ નોંધાવેલ સામી ફરિયાદ મુજબ, ફરિયાદીનો પુત્ર કિશન ગામની હેતલબેન નામની યુવતીને પ્રેમ પ્રકરણ બાબતે ભગાડી લઈ ગયો હોવાના મામલે રાત્રિના આશરે ૧૦ વાગ્યે આરોપી સગરામભાઈ સામતભાઈ સરવૈયા, સુરેશભાઈ સગરામભાઈ સરવૈયા, હેમુભાઈ સગરામભાઈ સરવૈયા, ગોરધનભાઈ પોપટભાઈ સરવૈયા, છગનભાઈ પોપટભાઈ સરવૈયા, જેસાભાઈ પ્રેમજીભાઈ સરવૈયા, મેઘાભાઈ પ્રેમજીભાઈ સરવૈયા અને સરધારકાના રઘાભાઈ ડાભી લાકડીઓ લઈને તેમના ઘરે આવ્યા હતા.
ત્યારે ઉપરોક્ત આઠેય આરોપીઓએ ઘરમાં પ્રવેશ કરી ગાળાગાળી અને મારામારી કરી હતી. જેમાં ફરિયાદી દેવાભાઈને ડાબી આંખ પાસે ટાંકા આવે તેવી ઈજા થઈ હતી, જ્યારે તેમના પુત્ર કિરણને હાથના કાંડામાં ફ્રેક્ચર થયું હતું. વીરમભાઈને માથામાં ટાંકા આવ્યા હતા અને મનસુખભાઈના ઉપરના આગળના બે દાંત તૂટી ગયા હતા. ઉપરાંત, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઉપરોક્ત ફરિયાદને આધારે વાંકાનેર તાલુકા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તથા જીપી એક્ટ હેઠળ મૃતક સગરામભાઈ સહિત આઠ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






