નાયબ વન સંરક્ષક ડૉ. સુનીલ કુમાર બેરવાલે વિદ્યાર્થીઓને વન્યજીવ સંરક્ષણ અંગે માર્ગદર્શન આપ્યું.
મોરબીની સરકારી મેડિકલ કોલેજ ખાતે વન વિભાગ દ્વારા વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે નાયબ વન સંરક્ષક ડૉ. સુનીલ કુમાર બેરવાલે વિદ્યાર્થીઓને વન્યપ્રાણીઓનું પર્યાવરણમાં મહત્ત્વ, તેમનું જીવનચક્ર અને સંરક્ષણ અંગે માર્ગદર્શન આપ્યું હતું. વન્યપ્રાણીઓના બચાવમાં સહયોગ આપતી કર્તવ્ય જીવદયા ટ્રસ્ટ અને યદુનંદન ગૌશાળા ટ્રસ્ટનું સન્માન પણ કરાયું હતું.
મોરબી સહિત સમગ્ર ગુજરાતમાં તા. ૨થી ૮ ઓક્ટોબર દરમિયાન વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે મોરબીની સરકારી મેડિકલ કોલેજ ખાતે વન વિભાગ દ્વારા વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. મોરબી જીલ્લાના નાયબ વન સંરક્ષક ડૉ. સુનીલ કુમાર બેરવાલના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને વન્યપ્રાણીઓનું પર્યાવરણમાં મહત્ત્વ, તેમનું જીવનચક્ર અને વન્યજીવ સંરક્ષણ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વન્યજીવો અને માનવજીવન વચ્ચેના પરસ્પર સંબંધો તેમજ વન્યજીવોના સંરક્ષણમાં સમાજની સહભાગિતાના મહત્ત્વ અંગે પણ સમજ આપવામાં આવી હતી. વન્યપ્રાણીઓના રેસ્ક્યુ અને બચાવ કામગીરીમાં વન વિભાગને નિઃસ્વાર્થ સહયોગ આપવા બદલ કર્તવ્ય જીવદયા ટ્રસ્ટ, મોરબી અને યદુનંદન ગૌશાળા ટ્રસ્ટનું સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ વન્યજીવો પ્રત્યે દયા અને સંવેદનાની ભાવના કેળવવા તેમજ તેમના સંરક્ષણ માટે સક્રિય સહભાગી બનવાનો સંકલ્પ લીધો હતો. આ પ્રસંગે મોરબી મેડિકલ કોલેજના ઇન્ચાર્જ ડીન ડૉ. સંજય, મદદનીશ વન સંરક્ષક પ્રતિક નારોડિયા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર તૃપ્તિ જોશી, વક્તા ભૂપતભાઈ છાયા, મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ અને વન વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.






