૨૦૧૮ના જૂના ઝઘડાનો ઉલ્લેખ કરી કાર સવાર કુટુંબી બે ભાઈઓને માર મારી જાનથી મારી નાખવાની ધમકી, ચાર નામજોગ સહિત છ સામે ફરિયાદ.
હળવદના લક્ષ્મીનારાયણ ચોક પાસે કાર અને મોટરસાઇકલ સામસામે આવી જતાં બોલાચાલી થઈ હતી. આ દરમિયાન ચાર નામજોગ સહિત છ શખ્સોએ ભેગા થઈ કારમાં પરિવાર સાથે રહેલ બે કુટુંબી ભાઈઓને ગાળો આપી બેફામ માર માર્યો હતો. અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવા અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
હળવદના કરાચી કોલોની વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા દેવાભાઈ ગાંડુભાઈ સરૈયા ઉવ.૩૫એ નોંધાવેલી ફરિયાદ મુજબ ગઈકાલ તા. ૧૧ ઓક્ટોબરના રોજ તેઓ પોતાના કુટુંબી ભાઈ સામતભાઈ રામજીભાઈ અને જશુબેન સાથે થાર ગાડીમાં ખરીદી કરવા હળવદ બજારમાં ગયા હતા. ત્યારે સાંજે આશરે સાડા ચાર વાગ્યે લક્ષ્મીનારાયણ ચોક પાસે સામેથી મોટરસાઇકલમાં આવતા આરોપી ઇમ્તીયાઝભાઈ યુનુષભાઈ ચૌહાણ અને સકિલભાઈ ઇનુષભાઈ ભટ્ટી સાથે વાહન સામસામે આવી જતાં બોલાચાલી થઈ હતી. ત્યારબાદ સ્થળ ઉપર અન્ય આરોપી સદામ ઉર્ફે ભાણો મુસ્તાકભાઈ શેખ, શાહરૂખભાઈ મહેબુબભાઈ મન્સુરી અને અન્ય બે અજાણ્યા શખ્સો ત્યાં આવી ગયા હતા. તમામે ભેગા મળી ફરિયાદી દેવાભાઈ અને સામતભાઈને બીભત્સ ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો.
આ દરમિયાન વર્ષ ૨૦૧૮માં થયેલા જૂના ઝઘડાનો ઉલ્લેખ કરીને ધમકી આપી અન્ય લોકોને પણ આરોપીઓએ ઉશ્કેર્યા હતા. ત્યારે દેકારો થતાં લોકો એકઠા થવા લાગતાં આરોપીઓએ ફરી માણસો લઈને આવી પતાવી દેવાની ધમકી આપતા પરિવાર સાથે આવેલ કાર સવાર બંને કુટુંબી ભાઈઓ કાર લઈને ત્યાંથી નીકળી ઘરે જતા રહ્યા હતા. આ બનાવ અંગે દેવાભાઈ સરૈયાની ફરિયાદના આધારે હળવદ પોલીસે આરોપી ઇમ્તીયાઝભાઈ ચૌહાણ, સકિલભાઈ ભટ્ટી, સદામ ઉર્ફે ભાણો શેખ, શાહરૂખભાઈ મન્સુરી અને અન્ય બે અજાણ્યા શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૧૫(૨), ૨૯૬, ૩૫૧(૩) અને ૧૮૯(૨) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






