રોડ-રસ્તા, પાણી-ગટર, નમો વન 2.0 સહિતના કામોની સમીક્ષા; સ્વાગત અને પીજી પોર્ટલના પડતર પ્રશ્નોનો ઝડપી નિકાલ કરવા તાકીદ
મોરબી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકની સાથે પ્રવાસન સમિતિ, પુરવઠા સલાહકાર સમિતિ અને જિલ્લા આયોજન સહિતની બેઠકો યોજાઈ હતી, જેમાં જિલ્લાના વિવિધ પ્રશ્નો, વિકાસકામોની પ્રગતિ અને સરકારી યોજનાઓના અમલીકરણ અંગે સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ જિલ્લામાં ચાલી રહેલાં રોડ-રસ્તાનાં કામો, નમો વન 2.0 (સાંસ્કૃતિક વન), પર્યાવરણની જાળવણી, પાણી અને ગટર સંબંધિત કામોની પ્રગતિ અંગે અધિકારીઓ પાસેથી વિગતો મેળવી હતી. વિકાસકામો સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનાઓ અને દિશાનિર્દેશો આપવામાં આવ્યા હતા.
સ્વાગત અને પીજી પોર્ટલના પડતર પ્રશ્નોનો ઝડપી નિકાલ કરવા સૂચના
જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠકમાં વિવિધ સરકારી કચેરીઓ માટે નવી જમીનની ફાળવણી સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત સ્વાગત પોર્ટલ અને પીજી પોર્ટલ પર લાંબા સમયથી પડતર રહેલા પ્રશ્નોનો ત્વરિત ઉકેલ લાવવા સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી, જેથી નાગરિકોને પડતી મુશ્કેલીઓનો સમયસર નિકાલ થઈ શકે.
એપ્રેન્ટિસ યોજના દ્વારા રોજગારીની તકો વધારવા ભાર
મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના અંતર્ગત આઈટીઆઈ અને કોલેજના વિદ્યાર્થીઓને યોગ્ય રોજગારીની તકો મળી રહે તેમજ ઉદ્યોગોને કુશળ કર્મચારીઓ ઉપલબ્ધ થાય તે બાબત પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. શિક્ષણ અને ઉદ્યોગ ક્ષેત્ર વચ્ચે સંકલન વધારીને યુવાનોને રોજગારલક્ષી તકો ઉપલબ્ધ કરાવવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
મધ્યાહન ભોજનની ગુણવત્તા અંગે સમીક્ષા
બેઠકમાં પીએમ પોષણ યોજના અંતર્ગત મધ્યાહન ભોજન અને અલ્પાહારના સુચારુ અમલીકરણ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને આપવામાં આવતા ભોજનની ગુણવત્તા, આરોગ્ય તપાસ અને આયર્ન-ફોલિક એસિડની ગોળીઓના વિતરણ સહિતના મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી હતી.
જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ રહ્યા ઉપસ્થિત
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ગીતાબેન દુબરીયા, વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે, જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, નાયબ વન સંરક્ષક મીના, નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નવલદાન ગઢવી, મોરબીના ડેપ્યુટી કમિશનર બ્રિજેશ કાલરીયા સહિત જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં જિલ્લાના વિકાસકાર્યોને ગતિ આપવા, નાગરિકોના પડતર પ્રશ્નોનો ઝડપી નિકાલ કરવા અને સરકારી યોજનાઓનો લાભ લાભાર્થીઓ સુધી પહોંચાડવા સંબંધિત વિભાગો વચ્ચે સંકલન જાળવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.






