રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના હસ્તે નવા ભોજન વિતરણ કેન્દ્રનો પ્રારંભ; સિરામિક નગરીના શ્રમિકોને મળશે રાહત
મોરબીમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ત્રાજપર ચોકડી ખાતે શ્રમિકો માટે શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ નવા ભોજન વિતરણ કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના હસ્તે આ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
ગુજરાત સરકાર દ્વારા બાંધકામ શ્રમિકોને નજીવી કિંમતે પૌષ્ટિક, શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ભોજન મળી રહે તેવા હેતુથી શ્રમિક અન્નપૂર્ણા યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત શ્રમિકોને માત્ર પાંચ રૂપિયામાં પૌષ્ટિક ભોજન પૂરું પાડવામાં આવે છે.
શ્રમિકો ઔદ્યોગિક વિકાસની સાચી આધારશિલા: કાંતિભાઈ અમૃતિયા
લોકાર્પણ પ્રસંગે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે મોરબી વૈશ્વિક સ્તરે સિરામિક ઉદ્યોગના હબ તરીકે ઓળખાય છે. ગુજરાત સહિત દેશના વિવિધ વિસ્તારોમાંથી શ્રમિકો રોજગારી માટે મોરબી આવે છે. આ શ્રમિકો ઔદ્યોગિક વિકાસની સાચી આધારશિલા છે. રાજ્ય સરકાર શ્રમિકોના કલ્યાણ, સર્વાંગી વિકાસ અને જીવનધોરણ ઊંચું લાવવા માટે પ્રતિબદ્ધ છે અને તેમના માટે વિવિધ કલ્યાણકારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
પાંચ રૂપિયામાં મળશે પૌષ્ટિક ભોજન
શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ લાભાર્થીઓને માત્ર પાંચ રૂપિયામાં રોટલી, શાક, કઠોળ, ભાત, અથાણું, મરચાં અને ગોળ સહિતનું ભોજન આપવામાં આવે છે. આ ઉપરાંત અઠવાડિયામાં એક દિવસ સુખડી જેવા મિષ્ટાન્નનો પણ ભોજનમાં સમાવેશ કરવામાં આવે છે.
શ્રમિકો આધારકાર્ડ આધારિત નોંધણી નંબર અથવા QR કોડ સ્કેન કરીને ભોજન વિતરણ કેન્દ્ર પરથી સરળતાથી ભોજન મેળવી શકશે.
વધુ શ્રમિકોને લાભ લેવા અપીલ
મોરબીના ત્રાજપર ચોકડી ખાતે નવા ભોજન વિતરણ કેન્દ્રની શરૂઆતથી બાંધકામ શ્રમિકો અને શ્રમજીવી પરિવારોને રાહત મળશે. રાજ્ય સરકારની આ લોકઉપયોગી યોજનાનો વધુમાં વધુ શ્રમિકો લાભ લે તેવી અપીલ કરવામાં આવી છે.






