અમરેલી રોડ પર ઈંટના ભઠ્ઠા નજીક દારૂના કટિંગ પહેલાં એલસીબી અને સીટી બી ડિવિઝન પોલીસની રેઇડ: ૫,૬૧૬ બોટલ દારૂ અને ૪,૬૦૮ બિયર ટીન સહિત એક આરોપી ઝડપાયો, કુલ ૧૨ સામે ગુનો નોંધાયો.
દિવાળીના તહેવાર પહેલાં મોરબીના વીસીપરા-અમરેલી રોડ પર મચ્છુ નદીના કાંઠા નજીક ઈંટના ભઠ્ઠાની વાડી વિસ્તારમાં ઇંગ્લિશ દારૂનું કટિંગ થાય તે પહેલાં એલસીબી અને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી વિદેશી દારૂ-બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે વિદેશી દારૂની ૫,૬૧૬ બોટલ, બિયરના ૪,૬૦૮ ટીન, ટ્રક, ત્રણ ટ્રેક્ટર-ટ્રોલી, ચાર મોટરસાઇકલ સહિત કુલ રૂ.૮૧,૧૧,૨૮૮/-નો મુદ્દામાલ સાથે મોરબીના વીસીપરામાં રહેતા સંદીપ અગેચાણીયાની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મુખ્ય આરોપીઓ સહિત કુલ ૧૨ સામે પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં આવ્યો છે.
મોરબી જીલ્લામાં નવરાત્રિ અને આગામી દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ દરમિયાન મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળેલી ખાનગી બાતમીના આધારે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સાથે સંયુક્ત કામગીરી કરી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસને બાતમી મળી હતી કે મોરબીના વીસીપરા વિસ્તારમાં અમરેલી રોડ પર મચ્છુ નદીના કાંઠા નજીક ઈંટના ભઠ્ઠાની વાડી વિસ્તારમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઉતારી તેનું કટિંગ કરવામાં આવનાર છે. આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતાં દારૂ ભરેલી ટ્રક અને હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલાં અન્ય વાહનોમાંથી વિદેશી દારૂ તથા બિયરના ટીનનો મોટો જથ્થો મળી આવ્યો હતો. સ્થળ પરથી હાજર શખ્સ સંદિપભાઇ ભુપતભાઇ અગેચાણીયા રહે.મોરબી-૨ વીસીપરા કુભારવાડા વાળાને ઝડપી લેવામાં આવ્યો હતો.
પોલીસે આ કાર્યવાહી દરમિયાન વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ ૫,૬૧૬ બોટલ, બિયરના ૪,૬૦૮ ટીન અને બટાકા ભરેલી ૨૮૦ બોરીઓ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ઉપરાંત રાજસ્થાન પાસિંગની ટાટા ટ્રક, ત્રણ ટ્રેક્ટર-ટ્રોલી, ચાર મોટરસાઇકલ, એક મોબાઇલ ફોન સહિત કુલ કિ.રૂ.૮૧,૧૧,૨૮૮/- મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ કેસમાં પોલીસે સંદીપભાઈ ભુપતભાઈ અગેચાણિયાની ધરપકડ કરી છે. જ્યારે ટ્રક નંબર આરજે-૧૪-જીએચ-૦૩૩૩નો ચાલક, મોરબી વીસીપરાના રોહિત ઉર્ફે બલ્લુ બાબુભાઈ અગેચાણિયા અને અક્ષય બાબુભાઈ અગેચાણિયા સહિત અન્ય આરોપીઓમાં ત્રણ ટ્રેક્ટરના ચાલકો, ચાર મોટરસાઇકલના ચાલકો, દારૂનો જથ્થો ભરીને મોકલનાર તથા તપાસમાં જેનાં નામ ખુલશે તે આરોપીઓને ફરાર દર્શાવી તમામ વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાવી પોલીસે તેમની ધરપકડ કરવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.






