બાઈકને પાછળથી ટક્કર માર્યા બાદ કારનું ટાયર બાળકના માથા પરથી ફરી વળ્યું: કાર લઈ ચાલક ફરાર.
ટંકારા તાલુકાના હીરાપર નજીક અજાણી કારના ચાલકે આગળ જતાં બાઇકને ટક્કર મારતા, બાઈક પર સવાર બે વર્ષના કાર્તિકનું મોત થયું હતું. બાઈક પર સવાર અન્ય નાના-મોટા પાંચ લોકોને ઈજાઓ પહોંચી હતી. ત્યારે અકસ્માત સર્જી કારચાલક ફરાર થઈ જતાં ટંકારા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર, સંજુ ઉર્ફે વિજય વેસ્તાભાઈ પચાયા ઉવ.૩૦ હાલ રહે. ઈન્દ્રપ્રસ્થ સોસાયટીના ખાલી પ્લોટના ઝૂંપડામાં જબલપુર પાટિયા સામે ટંકારા મૂળરહે. જોરા ગામ તા.બોર્જાદ જી. અલીરાજપુર મધ્યપ્રદેશ વાળાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી કે, ગઈકાલ તા.૧૭ ઓક્ટોબરના રોજ સાંજે ફરિયાદી સંજુ ઉર્ફે વિજય પચાયા પોતાના હીરો સ્પ્લેન્ડર બાઈક નંબર જીજે-૩૩-ઈ-૭૯૭૩ ઉપર પત્ની સુમિત્રા, ચાર વર્ષીય પુત્રી રવીના, બે વર્ષીય પુત્ર કાર્તિક તેમજ સાથે કામ કરતી સેજલબેન અને તેમના આશરે એક વર્ષીય પુત્ર આર્યન સાથે સરાયા ગામેથી ટંકારા તરફ જઈ રહ્યા હતા. ત્યારે હીરાપર ગામના પાટિયાથી આશરે દોઢ કિલોમીટર આગળ કેનાલ નજીક પહોંચતાં પાછળથી પૂરઝડપે આવેલી અજાણી ફોરવ્હીલ કારના ચાલકે બાઈકને પાછળથી ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં બાઈક પર સવાર તમામ લોકો નીચે પટકાયા હતા. આ દરમિયાન બે વર્ષીય કાર્તિક જમણી બાજુ પટકાતાં તેના માથા પરથી કારનું ટાયર ફરી વળ્યું હતું, જેના કારણે તેને ગંભીર ઈજાઓ થતાં તેનું સ્થળ ઉઓર કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
અકસ્માતમાં ફરિયાદી સંજુ ઉર્ફે વિજય, તેમની પત્ની સુમિત્રા, પુત્રી રવીના તેમજ સેજલબેન અને તેમના પુત્ર આર્યનને પણ ઈજાઓ પહોંચી હતી. તમામને સારવાર માટે ટંકારા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ કારચાલક ટંકારા તરફ ફરાર થઈ ગયો હતો. ત્યારે બનાવ અંગે ટંકારા પોલીસે અજાણ્યા કારચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.






