ફાયર સેફ્ટી સિસ્ટમનું ચેકિંગ કરી ખામીઓ ધરાવતી બિલ્ડિંગને નોટિસ અપાઈ; એક સપ્તાહમાં ૩ ફાયર કોલ અને ૧ રેસ્ક્યુ કોલની કામગીરી કરાઈ
મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા ૧૪થી ૨૦ ઓક્ટોબર દરમિયાન સિનેમાના ૨૫ કર્મચારીઓને આગથી બચાવ અને ફાયર સેફ્ટીની તાલીમ આપવામાં આવી હતી. સાથે જ ફાયર સેફ્ટી સિસ્ટમની તપાસ કરી જરૂરી માર્ગદર્શન અપાયું હતું.
મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા તા. ૧૪/૧૦/૨૦૨૬થી ૨૦/૧૦/૨૦૨૬ દરમિયાન સિનેમાના ૨૫ કર્મચારીઓને ફાયર પ્રિવેન્શન અને ફાયર સેફ્ટી અંગે તાલીમ આપવામાં આવી હતી. આ ઉપરાંત વિવિધ બિલ્ડિંગનાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટ અને ફાયર સેફ્ટી સિસ્ટમની તપાસ હાથ ધરવામાં આવી હતી. ખામીઓ જણાતાં સંબંધિત બિલ્ડિંગને નોટિસ આપવામાં આવી હતી અને જરૂરી સૂચનો તથા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ફાયર સેફ્ટી પ્લાન મંજૂરી (FSPA) માટે મળેલી ચાર અરજીઓ આર.એફ.ઓ. કચેરીમાં આગળની કાર્યવાહી માટે મોકલવામાં આવી હતી.
અગ્નિશમન શાખાનો મુખ્ય હેતુ નાગરિકોમાં ફાયર સેફ્ટી અંગે જાગૃતિ લાવવા, આગ બુઝાવવાનાં સાધનોનો યોગ્ય ઉપયોગ શીખવવા અને કટોકટીના સમયે જાનમાલનું નુકસાન અટકાવવાનો છે. આ સમયગાળા દરમિયાન મોરબીમાં ત્રણ ફાયર કોલ અને એક રેસ્ક્યુ કોલના બનાવમાં ફાયર વિભાગના જવાનોએ કામગીરી કરી હતી. કોઈપણ આગ કે અન્ય કટોકટીના સમયે મોરબી ફાયર અને ઇમરજન્સી સર્વિસના ૦૨૮૨૨-૨૩૦૦૫૦, ૧૦૧ અથવા ૧૧૨ નંબર પર સંપર્ક કરવા ચીફ ફાયર ઓફિસર, મોરબી મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે.






