સીસીટીવીમાં યુવતીને બાઇક પર લઈ જતો શખ્સ દેખાયો: ખેતમજૂર પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી.
ટંકારા તાલુકાના એક ગામના ખેતમજૂર પરિવારની સગીર વયની દીકરી વાંકાનેરથી ગુમ થતાં વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. પ્રાથમિક તપાસમાં સીસીટીવી ફૂટેજમાં ટોળ ગામનો ભરતભાઈ વડેચા સગીરાને બાઇક પર લઈ જતા સ્પષ્ટ દેખાતા પોલીસે નામજોગ ગુનો નોંધી આગળની તજવીજ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ટંકારા તાલુકાના ગ્રામ્યમાં રહેતા ખેતશ્રમિક પિતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની ૧૭ વર્ષ અને ૯ મહિનાની દીકરી વાંકાનેરમાં તેણીની મોટી બહેનના ઘરે રહીને સિલાઈ કામ શીખતી હતી. ત્યારે ગત તા. ૧૧ ઓક્ટોબરના રોજ તેની સગાઈ પણ વાંકાનેર ખાતે કરવામાં આવી હતી. આ દરમિયાન ગઈ તા.૧૯ ઓક્ટોબરના રોજ સગીરા ભાણેજ માટે વસ્તુ લેવા ઘરેથી બહાર ગયા બાદ પરત ન આવતાં પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી.
ત્યારે આસપાસનાં સીસીટીવી ફૂટેજ તપાસતા ટંકારા તાલુકાના ટોળ ગામના ભરતભાઈ બાબુભાઈ વડેચા સગીરાને બાઇક પર લઈ જતા દેખાયા હતા. આથી સગીરાને લલચાવી-ફોસલાવી અપહરણ કરી લઈ ગયાની આશંકા સાથે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે આરોપી ભરતભાઈ વડેચા સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૩૭(૨) હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.






