Wednesday, October 28, 2026
HomeGujaratમોરબીના જૂના સાદુળકામાં રેતી ખનનના દરોડા દરમિયાન ખાણ-ખનીજ વિભાગની ટીમ પર હુમલો

મોરબીના જૂના સાદુળકામાં રેતી ખનનના દરોડા દરમિયાન ખાણ-ખનીજ વિભાગની ટીમ પર હુમલો

સ્કોર્પિયો અને એન્ડેવર કારમાં આવેલા ત્રણ શખ્સોએ ગાળો અને જાનથી મારી નાખવાની ધમકી આપી: સીઝ કરેલ ટ્રેક્ટર-લોડર લઈ ગયા, પાંચ સામે ફરિયાદ.

- Advertisement -
- Advertisement -

મોરબીના જૂના સાદુળકા નજીક મચ્છુ નદીના પટમાં ગેરકાયદે રેતી ખનન સામે કાર્યવાહી દરમિયાન ખાણ-ખનીજ વિભાગની ટીમ સાથે બોલાચાલી, ઝપાઝપી અને મારામારી થયાની ફરિયાદ નોંધાઈ છે. આ ઉપરાંત સીઝ કરેલી મશીનરી લઈ જવાના બનાવમાં ત્રણ નામજોગ આરોપીઓ, એક ટ્રેક્ટર-લોડર ચાલક અને એક અજાણ્યા ડ્રાઈવર સહિત પાંચ સામે ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ, મોરબીના વૃંદાવન સોસાયટી વિસ્તારમાં રહેતા અને ખાણ-ખનીજ વિભાગમાં માઇન્સ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા વિપુલભાઈ હસમુખભાઈ કંદોઈની ફરિયાદ મુજબ, ગત તા.૨૬ ઓક્ટોબરના રોજ ખાણ ખનીજ વિભાગને જૂના સાદુળકા નજીક મચ્છુ નદીના પટમાં સાદી રેતીનું ગેરકાયદે ખનન થતું હોવાની બાતમી મળી હતી. જેથી તેઓ અન્ય કર્મચારીઓ અને સુરક્ષા ગાર્ડ સાથે સ્થળ પર તપાસ માટે પહોંચ્યા હતા. તપાસ દરમિયાન નદીના પટમાં એક્સકેવેટર મશીનથી રેતીનું ખનન થતું જોવા મળ્યું હતું. ઉપરાંત એક ટ્રેક્ટર-લોડર અને બે ડમ્પર પણ મળી આવ્યાં હતાં. ગેરકાયદે ખનન અને સંગ્રહની આશંકાએ વિભાગની ટીમે ચારેય વાહનો અને મશીનરી સીઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ દરમિયાન સ્કોર્પિયો અને એન્ડેવર કારમાં આવેલા આરોપી જયદીપસિંહ જીવુભા ઝાલા ઉર્ફે મુન્નાસિંહ, માનવેન્દ્રસિંહ બલભદ્રસિંહ ઝાલા અને હરદિપસિંહ દિલીપસિંહ જાડેજાએ ટીમ સાથે બોલાચાલી કરી ગાળો આપી હતી. આરોપીઓએ ઝપાઝપી કરી, સુરક્ષા ગાર્ડને ઢીકાપાટુનો માર મારી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી સરકારી ફરજમાં અવરોધ ઊભો કર્યો હતો. આ દરમિયાન એક અજાણ્યો ડ્રાઈવર સીઝ કરેલું એક્સકેવેટર મશીન લઈ ગયો હતો, જ્યારે ટ્રેક્ટર-લોડરનો ચાલક પ્રવિણભાઈ જીવાભાઈ પણ ટ્રેક્ટર-લોડર ત્યાંથી ચલાવી લઈ ગયો હતો. લઈ જવાયેલા વાહનોની અંદાજિત કિ.રૂ.૧૦ લાખ થતી હોય, બાદમાં એક્સકેવેટર મશીન જૂના સાદુળકા ગામના પાદરમાં વડના ઝાડ નીચે બિનવારસી હાલતમાં મળી આવ્યાનું ફરિયાદમાં જણાવાયું છે.

આ બનાવ અંગે માઇન્સ સુપરવાઇઝર વિપુલભાઈ કંદોઈની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે આરોપી જયદીપસિંહ ઝાલા, માનવેન્દ્રસિંહ ઝાલા, હરદિપસિંહ જાડેજા, પ્રવિણભાઈ જીવાભાઈ અને એક અજાણ્યા ડ્રાઈવર સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!