પાઈપ અને ધોકા વડે બેફામ ઢોરમાર મારી ફ્રેક્ચર જેવી ઈજાઓ પહોંચાડી.
ટંકારાના હરબટીયાળી ગામના પાટિયા પાસે રાજકોટ-ટંકારા હાઈવે પર એલસીબીને બાતમી આપવાનો ખાર રાખી મિતાણાના જયદીપભાઈ બસીયા અને રાહુલભાઈ ઉપર પાઈપ તથા ધોકા વડે હુમલો કરવા અંગે ફરિયાદ નોંધાઈ છે. હાલ ટંકારા પોલીસે બે નામજોગ અને અન્ય આઠ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસની તજવીજ શરૂ કરી છે.
ટંકારાના મીતાણા ગામના પ્રભુનગરમાં રહેતા જયદીપભાઈ બાબુભાઈ બસીયા ઉપર હરબટીયાળી ગામના પાટિયા પાસે ટંકારા-રાજકોટ હાઈવે પર હુમલો કરવામાં આવ્યો હતો. આરોપી કનુભાઈ મશરુભાઈ ઝાપડા અને મુકેશભાઈ મશરુભાઈ ઝાપડા તથા અન્ય અજાણ્યાઓએ, “તું મારી બાતમી એલસીબીને કેમ આપે છે?” તેમ કહી ગાળો આપી હતી અને ગેરકાયદે મંડળી રચી પાઈપ તથા ધોકા વડે જયદીપભાઈ અને સાહેદ રાહુલભાઈને માર માર્યો હતો.
આ હુમલામાં જયદીપભાઈને જમણા પગે તથા શરીરે મુંઢ ઈજાઓ થઈ હતી, જ્યારે રાહુલભાઈને ડાબા પગમાં ફ્રેક્ચર જેવી ઈજા અને શરીરે મુંઢ ઈજાઓ પહોંચી હતી. સમગ્ર મામલે ફરિયાદી જયદીપભાઈની ફરિયાદને આધારે ટંકારા પોલીસે આરોપી કનુભાઈ મશરૂભાઈ ઝાપડા, મુકેશભાઈ મશરૂભાઈ ઝાપડા તથા અન્ય આઠ અજાણ્યા શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો અને જીપી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.






