Thursday, October 29, 2026
HomeGujaratવાંકાનેરમાં રૂ.૧૦ લાખના વ્યાજ પેટે રૂ.૩૫ લાખ ચૂકવ્યા છતાં વધુ રૂ.૧૫.૫૦ લાખની...

વાંકાનેરમાં રૂ.૧૦ લાખના વ્યાજ પેટે રૂ.૩૫ લાખ ચૂકવ્યા છતાં વધુ રૂ.૧૫.૫૦ લાખની ઉઘરાણી

લેબર કોન્ટ્રાક્ટરને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી: મર્ડર કેસમાં જેલમાં રહેલા શખ્સ સહિત ચાર સામે ફરિયાદ.

- Advertisement -
- Advertisement -

વાંકાનેરના લેબર કોન્ટ્રાક્ટરે પોતાના એરિયામાં રહેતા મિત્ર કે જે હાલમાં રાજકોટ જેલમાં હોય તેના પાસેથી રૂ.૧૦ લાખ ૧૦ ટકા વ્યાજે લીધા હતા, જે લીધેલા નાણાં સામે રૂ.૩૫ લાખ ચૂકવી દીધા હોવા છતાં વધુ રૂ.૧૫.૫૦ લાખની ઉઘરાણી અને જાનથી મારી નાખવાની ધમકી મળતી હોવાની ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર મામલે ચાર શખ્સો સામે ગુનો નોંધાયો છે.

મળતી વિગતો અનુસાર, વાંકાનેરના જીનપરા વિસ્તારમાં રહેતા અને સીરામીક કારખાનામાં લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા ૪૨ વર્ષીય દેવેન્દ્રભાઈ બળવંતભાઈ સગરએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરોપી સરફરાજભાઇ હુશેનભાઇ મકવાણા રહે.આશીયાના સોસાયટી વાંકાનેર હાલ રાજકોટ પોપટપરા જેલ તથા પુનીતભાઈ રહે.મોરબી, સાકીરભાઇ ઇકબાલભાઇ ઘોઘાણી રહે.મોરબી તેમજ રમજાનભાઇ ઉર્ફે રમજુ રહે.ટંકારા વાળા વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદ મુજબ, વર્ષ ૨૦૨૨માં મકાન બનાવવા અને અન્ય જરૂરિયાતો માટે તેમણે આરોપી સરફરાજભાઈ મકવાણા પાસેથી ૧૦ ટકા માસિક વ્યાજે નાણાં લીધાં હતાં. ત્યારબાદ વ્યાજની ઉઘરાણી માટે આરોપી પુનીતભાઈને જવાબદારી સોંપવામાં આવી હતી. આ પુનીતભાઈએ છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ સરફરાજભાઈના સાળા આરોપી સાકીરભાઈ ઘોઘાણી દ્વારા પણ નાણાંની ઉઘરાણી કરવામાં આવતી હતી.

ફરિયાદી દેવેન્દ્રભાઈએ અત્યાર સુધી વ્યાજ સહિત આશરે રૂ.૩૫ લાખ ચૂકવી દીધા હોવા છતાં વધુ રૂ.૧૫.૫૦ લાખની માંગણી કરવામાં આવી હતી. વધુમાં, મર્ડર કેસમાં જેલમાં રહેલા આરોપી સરફરાજભાઈ પેરોલ પર બહાર આવ્યા ત્યારે ઢુવા ચોકડી નજીક ભવાની હોટલ પાસે ફરિયાદીને બોલાવી હિસાબ પૂરો નહીં કરે તો જાનથી મારી નાખવાની ધમકી આપી છરી બતાવી હતી. જે બાદ સરફરાજભાઈના સગા રમજાન ઉર્ફે રમજુ દ્વારા પણ ફોન પર ગાળો આપી ધમકીઓ આપવામાં આવતી હતી. હાલ દેવેન્દ્રભાઈ સગરની ફરિયાદના આધારે વાંકાનેર સીટી પોલીસે આરોપી સરફરાજભાઈ હુશેનભાઈ મકવાણા, પુનીતભાઈ, સાકીરભાઈ ઇકબાલભાઈ ઘોઘાણી અને રમજાન ઉર્ફે રમજુ સામે ભારતીય દંડ સંહિતા, ગુજરાત નાણાં ધીરધાર કરનારા બાબત અધિનિયમ તથા જીપી એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!