Thursday, October 29, 2026
HomeGujaratમોરબીમાં રૂ.૨૨ કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર નેટવર્કનું કામ શરૂ

મોરબીમાં રૂ.૨૨ કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર નેટવર્કનું કામ શરૂ

નબળું કામ દેખાય તો તુરંત અટકાવજો: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા.

- Advertisement -
- Advertisement -

લાયન્સનગર, રણછોડનગર સહિતના વિસ્તારોમાં ફેઝ-૨નું ખાતમુહૂર્ત: બંને ફેઝમાં ૩૯.૯૬ કિમી લાંબી ગટર લાઈન નંખાશે.

મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં ખુલ્લી ગટરો અને ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાના ઉકેલ માટે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ અંદાજે રૂ.૨૨ કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર નેટવર્ક ઊભું કરવામાં આવશે. આ તકે, રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ લોકોને અપીલ કરી હતી કે ક્યાંય નબળી કામગીરી દેખાય તો તુરંત કામ અટકાવી દેવું. બંને ફેઝમાં કુલ ૩૯.૯૬ કિલોમીટર લાંબી ડ્રેનેજ લાઈન નાખવાનું આયોજન છે.

મોરબી શહેરમાં લાંબા સમયથી સતાવતી ખુલ્લી ગટરો અને ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યાના કાયમી ઉકેલ માટે મહાનગરપાલિકા દ્વારા ભૂગર્ભ આર.સી.સી. ડ્રેનેજ નેટવર્કની કામગીરી હાથ ધરવામાં આવી છે. રાજ્ય સરકારની સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ અંદાજે રૂ.૨૨ કરોડના ખર્ચે બે તબક્કામાં આ કામગીરી કરવામાં આવશે. તાજેતરમાં ફેઝ-૨ના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ તકે, રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે રણછોડનગર સહિતના વિસ્તારોમાં અંદાજે રૂ.૧૧ કરોડ અને જૂના મોરબી વિસ્તારમાં બીજા રૂ.૧૧ કરોડ મળીને કુલ રૂ.૨૨ કરોડનાં કામો હાથ ધરાશે. કામગીરી તબક્કાવાર કરવામાં આવશે. ગેસ અને પાણીની લાઈનનું કામ પૂર્ણ થયા બાદ જ મજબૂત રસ્તા બનાવવામાં આવશે, જેથી ભવિષ્યમાં વારંવાર રસ્તા ખોદવાની સમસ્યા ઊભી ન થાય. લોકોને કામગીરીની ગુણવત્તા અંગે જાગૃત રહેવાની અપીલ કરતાં મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, “જો કોઈપણ જગ્યાએ નબળું કામ થતું દેખાય, તો તરત જ કામ બંધ કરાવી દેવાની તમને છૂટ છે.” તેમણે ચૂંટાયેલા કોર્પોરેટરોને પણ પોતાની જવાબદારી નિભાવવા તાકીદ કરી હતી.

મોરબીના મેયર ઉત્તમભાઈ સુરાણીએ જણાવ્યું હતું કે વોર્ડ નંબર-૨માં લાયન્સનગર, રણછોડનગર અને માધવ પાર્ક સહિતના વિસ્તારોમાં ડ્રેનેજનું કામ શરૂ કરવામાં આવશે. તેમના જણાવ્યા મુજબ, ખાતમુહૂર્ત બાદ સાતથી આઠ દિવસમાં કામગીરી શરૂ કરવાનું આયોજન છે. પ્રથમ ભૂગર્ભ ગટર, ત્યારબાદ પાણીની લાઈન અને અંતે સીસી રોડ બનાવવામાં આવશે.

વોર્ડ નંબર-૯ના કોર્પોરેટર નવનીતભાઈ કુંડારિયાએ જણાવ્યું હતું કે ફેઝ-૨ હેઠળ લાયન્સનગર, રણછોડનગર સહિતના વિસ્તારોમાં રૂ. ૧૦.૧૦ કરોડના ખર્ચે કામગીરી હાથ ધરાશે. સાંકડી શેરીઓ અને મકાનો વચ્ચેના વિસ્તારોમાં ભૂગર્ભ ગટરનું જોડાણ આપવા ચેમ્બર બનાવી મુખ્ય ગટર લાઈનમાં કનેક્શન આપવામાં આવશે. જ્યાં જેસીબી મશીન લઈ જવું શક્ય નથી ત્યાં હાથથી ખોદકામ કરીને કામગીરી પૂર્ણ કરવામાં આવશે. તેમણે આશરે એક વર્ષમાં કામગીરી પૂર્ણ કરવાનો પ્રયાસ કરાશે તેમ જણાવ્યું હતું.

અગાઉ ફેઝ-૧નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ તબક્કામાં નેહરુ ગેઇટથી દરબારગઢ સુધીના જૂના વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે. રૂ. ૧૧.૮૭ કરોડના ખર્ચે મોદી શેરી, પારેખ શેરી, મોટી માઘાણી શેરી, જૈન દેરાસર રોડ, મોચી શેરી અને ભરવાડ શેરી સહિતના વિસ્તારોમાં કુલ ૨૨.૧૬ કિલોમીટર લાંબી ડ્રેનેજ લાઈન નાખવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!